બાળમિત્રો, હાલાં તમે વિડિયો ગેમ રમવા પાછળ ઘેલો બન્યા હશો પણ હજુય ઘણી જગ્યાએ કોડીની રમત રમાય છે. એક સમય એવો હતો કે જ્યારે આફ્રિકા અને અન્ય દેશોમાં ચલણ તરીકે કોડીનો ઉપયોગ થતો હતો.
કોડી નામ તમે અવારનવાર બોલતા હશો. ઘણીવાર હોમવર્ક પૂરું કર્યા પછી કે વ્રતના જાગરણ દરમિયાન ઘણા લોકો કોડી રમતા હોય છે. ચોકઠાવાળી બાજી રમતી વખતે દાવ પાડવા માટે પાસાં તરીકે તમે ચાર સફેદ કોડીનો ઉપયોગ કરો છો, ખરું ને! તો આજે અહીં એ જ કોડીની વાત કરવાની છે. તમારામાંથી ઘણા બાળકોને કદાચ એ ખબર નહીં હોય કે આવી નાનકડી અને રમતમાં ઉપયોગી એવી કોડીમાં પણ એક જીવ છુપાયેલો હોય છે.
દરિયાઇ જીવ
દરિયાકિનારે રેતીમાં જોવા મળતી કોડીને આપણે વીણતા હોઇએ છીએ. કોડીનું જે પડ હોય છે તે એનામાં રહેતા જીવનું કવચ હોય છે. કવચવાળા જીવોમાં કોડીનો સમાવેશ થાય છે. ભીનાશવાળી જગ્યાએ જોવા મળતી આ કોડીઓને દરિયાઇ જીવ કહે છે. દરિયામાં, ખડકોમાં અને કાદવની નીચેના ખડકોમાં તે રહે છે. તે ઉષ્ણકટિબંધીય ભાગમાં હિંદ મહાસાગર અને પેસેફિક મહાસાગરમાં પણ વધારે પ્રમાણમાં મળી આવે છે. આપણા ગુજરાતના દરિયામાં ૧૮થી વધુ પ્રજાતિની કોડી મળી આવે છે.
ઈતિહાસ
પ્રાચીન સમયમાં કોડી ખૂબ જ કીમતી મનાતી હતી. શરીર પર પહેરવાનાં ઘરેણામાં તેનું આગવું સ્થાન હતું. વિશ્વના કેટલાક દેશોમાં તે ચલણ તરીકે પણ વપરાતી હતી. પીળા રંગની અઢી સેન્ટિમીટર લાંબી સુંદર કોડી આફ્રિકા અને અન્ય દેશોમાં ચલણ તરીકે વપરાતી હતી. જ્યારે દસ સે.મી. લંબાઇ ધરાવતી સોનેરી રંગની કોડી રાજવી પરિવારોમાં ઘરેણાં તરીકે પહેરવામાં આવતી હતી.
હાલની સ્થિતિ
હાલના સમયમાં પણ તેનો ઉપયોગ ઘરેણાંઓ અને સુશોભનની ચીજવસ્તુઓમાં મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. આપણે ત્યાં નવરાત્રિમાં કોડીવાળા ચણિયાચોળી તૈયાર કરીને મોંઘા ભાવે વેચવામાં આવે છે. પરંતુ તમને ખબર નહીં હોય કે ચણિયાચોળીની સજાવટ કે ઘરેણા માટે વાપરવામાં આવતી કોડીઓ મેળવવા માટે દરિયાકાંઠા વિસ્તારમાંથી લાખો જીવતી કોડીઓને પકડવામાં આવે છે અને તેમાં રહેલા જીવને ઊકળતાં ગરમ પાણીમાં નાખીને કે પછી જમીનમાં દાટીને મારી નાખવામાં આવે છે. લાખોની સંખ્યામાં જીવહત્યા થયેલી કોડીઓ સુરક્ષા કવચના બદલે મોતનું કારણ બને છે.
લુપ્ત થવાને આરે
વિવિધ ઉપયોગમાં લેવાતી કોડીઓ મોટાભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી સમગ્ર ભારતમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે. બે દાયકા પહેલાં જે કોડીઓની પ્રજાતિઓની સંખ્યા સામાન્ય અને સુરક્ષિત મનાતી હતી, તેવી મોટાભાગની કોડીની પ્રજાતિઓ હવે ભયમાં કે લુપ્ત થવા લાગી છે. કોડીમાં રહેતા નાના નાના જીવોને આપણે ત્યાં મહત્વ અપાતું નથી.
કોડીમાંથી બનતી વસ્તુઓ
તમે જોયું જ હશે કે કોડીથી ચણિયાચોળી શણગારવામાં આવે છે. આ ઉપરાંત અરીસાઓ, સ્ટેચ્યુઝ, વોલપીસ, તોરણ, ઘરમાં સુશોભન માટેના લાંબા લટકણીયા, ઘરેણાં તેમજ અનેક વસ્તુઓને શણગારવા માટે કોડીનો ઉપયોગ થાય છે
0 comments:
Post a Comment