રાજા ચંદ્રસિંહે દુ:ખી મા-દીકરાની વાતચીત સાંભળી. એમનું લાગણીશીલ હૈયું દ્રવી ઊઠ્યું. ઝૂંપડી પર નિશાની કરી રાજા ચંદ્રસિંહ પોતાના મહેલમાં પાછા ફર્યા.
ચંદનપુરમાં ચંદ્રસિંહ નામે રાજા રાજ કરતા હતા. રાજા ચંદ્રસિંહ પ્રજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી. તેમને એક દીવાન હતા. તેમનું નામ લાલસિંહ. લાલસિંહ સ્વભાવે ખૂબ જ લાલચું અને લોભી પ્રકૃતિના. રાજા ચંદ્રસિંહ લાલસિંહને ગમે તેટલું આપે, છતાંય લાલસિંહ ક્યારેય સંતુષ્ટ થતા જ નહીં. તેમના લોભી અને લાલચુ સ્વભાવથી રાજા ચંદ્રસિંહ પૂરેપૂરા માહિતગાર હતા.
એક વખતની ઘટનાએ લાલસિંહના જીવનમાં જાણે ચમત્કાર સર્જ્યો. હંમેશની જેમ તે દિવસે રાજા ચંદ્રસિંહ મોડી રાતના વેશ-પલટો કરીને રૈયતના સુખ-દુ:ખ જાણવા નીકળી પડ્યા. દીવાન લાલસિંહ પણ સંગાથે હતા. ફરતાં ફરતાં રાજા ચંદ્રસિંહ ગામને છેવાડે આવીને પહોંચ્યા. એક ઝૂંપડી પાસે રાજા ચંદ્રસિંહના પગ અટકી ગયા. દિવાન પણ ત્યાં જ આવી થોભ્યા.
ઝૂંપડીમાંથી દીવાનો આછો પ્રકાશ અંધકારને દૂર કરવાનો પ્રયત્ન કરતો હતો. ઝૂંપડીમાં એક દાદીમા અને એક યુવાન ધીમા અવાજે વાત કરતા હતા. રાજા ચંદ્રસિંહે તેમની વાત સાંભળવા કાન સરવા કર્યા. દાદીમા યુવાનને આશ્વાસન આપતા કહી રહ્યા હતા, ‘બેટા! ભગવાન પર ભરોસો રાખ.’
યુવાને કહ્યું, ‘મા, હવે તો ઇશ્વર પરથી પણ મારી શ્રદ્ધા ડગી ગઇ છે!’વૃદ્ધા કહે, ‘સૌ કોઇના એવા દિવસો કાયમ નથી ટકતા. મારો નાથ કીડીને કણ અને હાથીને મણ આપે જ છે.’‘મા જ્યારે ગામ આખામાં રઝળપાટ કરવા છતાંય મજુરી ન મળે ત્યારે...’ ‘બેટા, દુ:ખના દિવસો તો તડકી-છાંયડી જેવા હોય છે. આપણને તો આપણા ખુદની ચિંતા સતાવે છે, જ્યારે મારા વહાલાને તો દુનિયા આખીની ફિકર છે. એ જ તો સૌ કોઇનો પાલનહાર છે, એક ને એક દિવસ એ અવશ્ય આપણી પણ વેળા વાળશે જ.’
રાજા ચંદ્રસિંહે દુ:ખી મા-દીકરાની વાતચીત સાંભળી. એમનું લાગણીશીલ હૈયું દ્રવી ઊઠ્યું. ‘મારી પ્રજા આટ-આટલી દુ:ખી હોય અને હું સુખેથી કઇ રીતે સૂઇ શકું?’ ઝૂંપડી પર નિશાની કરી રાજા ચંદ્રસિંહ પોતાના મહેલમાં પાછા ફર્યા. પરંતુ તે સુખેથી ઊંઘી શક્યા નહીં. રાત આખી તેમને દુ:ખી મા-દીકરાના જ વિચારો કોરી રહ્યા.
સવાર પડતાં જ રાજા ચંદ્રસિંહ પોતાના દીવાન લાલસિંહને લઇને ઝૂંપડીએ આવ્યા. વહેલી સવારમાં પોતાના આંગણે રાજા ચંદ્રસિંહને પધારેલા જોઇને દાદીમા અચરજ પામ્યા. પછી સત્કાર કરતા બોલ્યા, આજે તો મારે આંગણે પ્રજાના પાલનહાર પધાર્યા છે ને શું? આજે તો મારી ખુશીઓનો કોઇ પાર નથી.’
રાજા ચંદ્રસિંહે જોયું કે વૃદ્ધા દુ:ખી હોવા છતાંય તેમના ચહેરા પર દુ:ખની આછી લકીર પણ દેખાતી નહોતી! વાણીમાં પણ કેટલી મીઠાશ? હૈયે લાવા ઉકળી રહ્યો હોય છતાંય કેવા હેતથી અભિવાદન કરીને સત્કારી રહી છે!રાજા ચંદ્રસિંહે દીવાનને સંબોધીને કહ્યું, ‘દીવાનજી માજીને સોનામહોરની થેલી આપી દો.’‘જી મહારાજપ્ત. કહીને દીવાને વૃદ્ધાને સોનામહોર ભરેલી થેલી આપી દીધી.’‘માફ કરજો મહારાજ. હું આપની ભેટ નહીં સ્વીકારી શકું.’ ‘કારણ?’ રાજા ચંદ્રસિંહ આશ્ચર્યસહ પૂછી બેઠા.
વૃદ્ધાએ કહ્યુ, ‘મહેનત વગરનો પૈસો મારે મન ‘અંગારા’ સમાન છે.’ રાજા બોલ્યા, ‘પણ હું રાજી-ખુશીથી આ ભેટ-સોગાત આપું છું. રાજા હોવાને નાતે મારી પણ ફરજ થઇ પડે છે કે મારી રૈયત મારા રાજ્યમાં દુ:ખી ન રહે.’‘તમે દયાળુ અને ધર્મી રાજા છો. તમે તમારી ફરજ બજાવી, પણ હુંય મારી ‘ટેક’ને કારણે તમારી એ સોગાત સ્વીકારી શકતી નથી. મારો વહાલો જગતનો તાત અમ ગરીબની ખેવના કરવાવાળો બેઠો જ છે. કસોટી તો કુંદનની થાય જ છે, પણ વિપદ વેળાએ ધૈર્યને પીગળવા દેવું ન જોઇએ’ વૃદ્ધાએ કહ્યું.
‘તમે તમારી વાતમાં મક્કમ છો. તો મારી એક વિનંતીનો સ્વીકાર કરો. કાલ સવારથી જ મારા રાજદરબારમાં તમારા દીકરાને મહત્વનો હોદ્દો ગ્રહણ કરવાની રજા આપો.’ આ રીતે રાજા ચંદ્રસિંહે કિંમતી ભેટ-સોગાત નહીં ગ્રહણ કરનાર વૃદ્ધાના દીકરાને પોતાના રાજદરબારમાં ઉચ્ચ સ્થાને નિમણુંક આપી તેનું યોગ્ય સન્માન કર્યું.જે લોકો લાલચ નથી રાખતા, દુ:ખમાં પણ સંતોષનો ત્યાગ નથી કરતા એમની કદર અવશ્ય થાય જ છે. સંતોષી નર સદા સુખી. તે દિવસથી લાલસિંહે પણ લાલચનો ત્યાગ કર્યો.‘
0 comments:
Post a Comment