Wednesday, September 28, 2011

દુ:ખમાં દોડી આવે તે મિત્ર અપનાવ્યું યોગીએ સૂત્ર




યોગી હરણના વર્તનથી મૈત્રી સમજી ગઇ કે યોગી હૃદયથી ખરાબ નથી, પણ તેનામાં શિષ્ટાચારની કમી છે.

મહી સાગરને કિનારે નંદનવન આવેલું હતું. એમાં આંબા, બદામ, ચીકુ, રાયણ, જાંબુ જેવા ફળઝાડોનો પાર નહોતો. વિપુલ પ્રમાણમાં ખોરાક મળવાથી અહીં જાતજાતનાં પશુઓ અને પંખીઓ રહેતા હતા.એ સૌમાં યોગી હરણ સૌથી જુદો તરી આવતો હતો. તે આંબાના ઘટાદાર ઝાડની નીચે ઉદાસ બનીને પડ્યો રહેતો હતો. ના કોઇની સાથે તે બોલે કે ના કોઇની સાથે ચાલે. એના આવા વર્તનથી જંગલના પશુપંખીઓએ એની સાથે કોઇ પણ જાતનો વ્યવહાર નહીં કરવાનું નક્કી કર્યું હતું.




એક વખત મૈત્રી નામની કોયલ દૂર દૂરથી ઊડી આ વનમાં આવી. તે યોગી રહેતો હતો તે પર આવીને બેઠી. તે બહુ થાકી ગઇ હતી. ભૂખી અને તરસી પણ હતી. આરામ કરતી તે ચારે તરફ જોવા લાગી. એવામાં એની નજર નીચે બેઠેલા યોગી ભણી ગઇ. રૂપાળા હરણને જોઇ તે રાજી થઇ ગઇ. હષૉવેશમાં આવી કહેવા લાગી, ‘હરણભાઇ, નમસ્તે. તમને જોઇને મને આનંદ થયો છે. હું દૂર દૂરથી ઊડીને અહીં આવી છું. મારું નામ મૈત્રી છે. તમે મારા દોસ્ત બનશો? તમે ઉદાસ કેમ છો? સઘળો સંકોચ છોડીને તમે મારી સાથે વાત કરો.’



યોગીએ તેની સામે આંખ ઊંચી કરીને જોયું પણ નહીં. નીચી નજરે તે બોલ્યો, ‘મેં આ જંગલમાં કોઇનું કશું બગાડ્યું નથી. છતાં કોઇ ચકલુંય મારી સાથે વાત કરતું નથી. હું ઉદાસ ન રહું તો બીજું શું કરું?’મૈત્રીને એનામાં રસ જાગ્યો. એ પરિચય કેળવવાના શુભ હેતુથી કહેવા લાગી, ‘હરણભાઇ, હું ખૂબ દૂરથી આવું છું. માનો તો અત્યારે હું તમારી અતિથિ છું. એ રીતે તમારે મારી સાથે વાતો કરવી જોઇએ. થાક્યા પાક્યા મુસાફરને તેની જરૂરિયાત પણ પૂછવી જોઇએ. પાણી વિના મારો કંઠ સુકાય છે કૃપા કરી તમે મને તળાવ બતાવો હું જાતે ત્યાં જઇને પાણી પી લઇશ.’



યોગી આ સાંભળી ઝટપટ ઊભો થયો. ચૂપચાપ દૂર ગયો. માટીના ઠામમાં પાણી અને એક ફળ લઇ આવ્યો. કહેવા લાગ્યો, ‘કોયલબહેન, પહેલાં પાણી પી લો. ત્યારબાદ ફળ ખાઇ લો.’ આમ કહી તે પોતાના રહેઠાણે જઇ ઉદાસ બની સૂઇ ગયો.યોગીના આવા વર્તનથી મૈત્રી સમજી ગઇ કે હરણ હૃદયથી ખરાબ નથી, પણ તેનામાં શિષ્ટાચારની કમી છે. આ ખામી મારે કોઇપણ ભોગે દૂર કરવી જ રહી.



મૈત્રી હવે નંદનવનમાં રહેવા લાગી. એણે જોયું તો વનના પશુપંખીઓ યોગી સાથે વાત કરતા નથી. એટલું જ નહીં ખુદ યોગી પણ કોઇની સાથે હળતો મળતો નથી. પોતે જ નિર્માણ કરેલી આ પરિસ્થિતિ છે. પોતે જ એને મિટાવી દેવી જોઇએ.દરમિયાન એક દિવસ એવું બન્યું કે યોગી ઘરે એકલો હતો. એનો પરિવાર બહાર ગયો હતો. આ સમય દરમિયાન એને તાવ આવ્યો. આખી રાત તે તાવમાં જ કણસતો રહ્યો. મૈત્રી એની પાસે આવી રાતભર એની સારવાર કરવા લાગી. તાવની દવા લઇ આવી. એને સવાર સાંજ પિવડાવવા લાગી. ઘાસ અને ફળ લાવી એને ખવડાવવા લાગી. ચાર દિવસની સખત કાળજીથી યોગી બેઠો થઇ ગયો.



દુ:ખમાં દોડી આવે તે મિત્ર આ સૂત્ર મૈત્રીએ યોગીના દુ:ખમાં ભાગ લઇ સાર્થક કર્યું. યોગીના હૃદયમાં આથી પરિવર્તન આવ્યું. એ ક્ષોભ છોડી મૈત્રીને કહેવા લાગ્યો, ‘કોયલબહેન તમે મારા પરમ હિતેચ્છુ છો. મેં તમારી સાથે અયોગ્ય વ્યવહાર કર્યો પણ તમે મારા પર જે ભાવ, લાગણી અને પ્રેમ દર્શાવ્યા તે અનન્ય છે. તમારો ઉપકાર હું કદી નહીં ભૂલું.’



મૈત્રીને લાગ્યું કે, ‘લોઢું હવે બરાબર ગરમ થઇ ગયું છે. તેના પર હથોડા મારવાથી ઇચ્છિત ઘાટ અવશ્ય તૈયાર થશે તે કહેવા લાગી, ‘હરણભાઇ, પ્રેમ આપવાથી મળે છે. દુ:ખ સુખમાં સાથે રહેવાનો આપણો પ્રાણીમાત્રનો ધર્મ છે. આ વન એક કુટુંબકબીલો છે. આપણે એના સભ્ય છીએ. આપણામાંથી કોઇ બીમાર પડે તો આપણે એની ખબર કાઢવા જવું જોઇએ. પહેલાં આ વનમાં એક હરણ જાળમાં ફસાઇ ગયો હતો. એક કાગડાએ યુક્તિ કરી એને બહાર કાઢ્યો હતો. બસ આ રીતે અરસપરસ સહયોગથી જીવવું જોઇએ. પ્રેમમાં જે મધુરતા છે તે જગતના કોઇ પદાર્થમાં નથી. આપ ભલા તો જગ ભલા. તમે ભલા થઇને જીવો તો સૌ તમારા થઇને રહેશે.’



મૈત્રીએ નિષ્કામ ભાવે દાખવેલા વાણી, વર્તન અને ભાવની અસર યોગી પર ગજબની થઇ. એનું અંતર કોયલના રંગે રંગાઇ ગયું. તે કહેવા લાગ્યો, ‘કોયલબહેન, તમે મારા જીવનમાં આવી, મારું ઘડતર કરી મને તમારા જેવો જ બનાવી દીધો છે. હું તમારો આભાર કયા શબ્દોમાં માનું? પ્રેમનો જાદુ તમે મને બતાવ્યો છે. હું હવે તમારા જેવું વર્તન કરી તમારી સંગતિને ઉજજવળ કરીશ. આ મારો અંતરનો નિર્ધાર છે.’



મૈત્રીની ધીરતા, વીરતા અને મિત્રતાનો વિજય થયો. એ જોરથી કૂહુ કૂહુ કરવા લાગી. એના પડઘા જંગલમાં દૂર દૂર સુધી સંભળાયા.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment