Wednesday, September 28, 2011

સૂકું છતાં ભીનું એવું પદ્ય છતાં ગદ્ય



છોલાયેલું મન પાથરીને ઝીલું થોડીક ધાર તોય સૂકી જિંદગીમાં આવે નહીં ભીનાશ.


મારી આંખ સામે જ વરસાદ પણ હવે કોરોધાકોર થઈને લટકી રહ્યો ને મેં ઝીલી લીધો એનો કાંટા જેવો દેહ. હવે ચાલ્યા કરું છું નકરા રણમાં લથબથ થઈને... ચાલ્યા કરું છું આ કાંટાળા, ઉફરા બેસ્વાદ વરસાદને પકડીને.

વાદળ ગોરંભાયાં છે અને મન છત્રી જેવું નીતરે છે. એને ખૂલવાની સાવ ના કહી હતી પણ એણે ક્યારે માન્યું છે? ભૂરા આકાશ નીચે છાતીમાંથી વહ્યાં કરે છે ધેરું અંધારું, એટલું જ નહીં, એમાં સતત ઊગ્યા કરે છે નરી કાળમીંઢ ભીંત... એની ઉપર સૂંડલા ભરીભરીને ઠલવાય છે સ્મરણો...




લોક જાણે છે કે છાંટા ભીના જ હોય... પણ છાંટા કેવી આગેય લગાડે! એ ટપકતા નથી, તણખે છે... ઝળે છે... આંખમાં બેય છેડે છલકાય છે એ તો વળી જુદો જ વરસાદ... રેલમછેલ... એને ખબર નથી. ક્યાં વરસવું, કેમ વરસવું? બારણાં ખૂલ્યાં નથી ને વાવાઝોડાની જેમ તૂટી પડયા નથી! ખણખણતાં સપનાં સોય જેવા થઈને ભોંકાય ને અંદરનો સુનકાર કાળી બળતરા જગાવે...



હવે એ વરસવા માંડ્યો. ભલેને એ વરસતો, બેશરમ થઈને વરસતો, અહીંયાં સાવ કોરું ધાકોર અસ્તિત્વ! એની ધારે ધારે ઊગ્યા છે નકરા કાંટા ને સામે પથરાયેલો રસ્તો એના અણિયાળા ને ખરબચડા કાંકરા સાથે કોકડું વળીને મારામાં પથરાઈ જાય છે. બારી, બારણાં ને પાળીઓ તૂટી પડયાં છે. છાંટા નહીં, મૂશળધારે જો ને આ ખાબક્યો... ભલે... આજે નથી રોકવો. આ આમ કરી મૂકી મને લથબથ... અંદરનું ભલેને ધોધમાર સળગ્યા રાખે!



એકએક ટીપેટીપે લસરકા થાય ને પછી ઘસરકાયે થાય. છોલાયેલાં લોહીલુહાણ અસ્તિત્વ સાથે લથબથ થાવું એ કંઈ માફ ન થાય એવો ગુનો નથી. વરસાદની એ ભૂલ છે. એને ક્યાં જાવું’તું ને ક્યાં પહોંરયો! અને આ હોનારતની કડી શોધતાં શોધતાં ક્યાં જઈ પહોંચાયું? ચામડીના એકએક પડ લોહીલુહાણ થતા જાય ને પછી ભીંજાતા જાય! એકએક સપનાં ઊતરડીને પછી એના પર ત્રાટકવું એ જ તારો સ્વભાવ?



આવી રીતે ઘટાટોપ થઈને આવવાનું કોણે તને કહેણ મોકલ્યું’તું? છાપરાં છળી મરે ને બધાંય અંગ ગાભા જેવાં થઈ જાય તોયે દેહની માટીમાંથી ન છૂટે વીતેલાં વરસોની ગંધ... શરીરમાં પગથી માથા સુધી આથડયા કરે છે એ લોહી નહીં, નકરા બાળતા લબકારા... જો, બધાં સપનાં એવા ફાટયાં કે સૂરજનું અજવાળું એને નહીં સાંધી શકે. ચાંદાના ઠીકરામાં વાદળને સંઘરી આમ ચારેકોર ઉછાળી દીધાં. તારાની રંગોળીનેય એણે સેળભેળ કરીને એમાં ફેરવી દીધી નકરી મેશ!



આ કાયા આખેઆખી લથબથ થઈ વહેવા લાગી ને એમાં ઘૂઘવે છે નકરો દરિયો. ઉપરથી ભલેને અનરાધાર વરસે, મૂળે તો બળબળતો સૂરજ, ક્યાંય ઢાંક્યો ઢંકાતો નથી. મારા એક પછી એક પરપોટા થતા જાય ને એમાં સતત ફૂટ્યા જ કરું હું... મારામાં ઊગેલી ભીંતની બધી ડાળીને એકએક સપનાં ચોંટયાં છે ને બાથમાં કાંટાનું આખું વન! આ કોણ ઝંખે છે વરસાદને? છોલાયેલું મન પાથરીને ઝીલું થોડીક ધાર તોય સૂકી જિંદગીમાં આવે નહીં ભીનાશ.



મારી આંખ સામે જ વરસાદ પણ હવે કોરોધાકોર થઈને લટકી રહ્યો ને મેં ઝીલી લીધો એનો કાંટા જેવો દેહ. હવે ચાલ્યા કરું છું નકરા રણમાં લથબથ થઈને... ચાલ્યા કરું છું આ કાંટાળા, ઉફરા બેસ્વાદ વરસાદને પકડીને.બની ગઈ છું એક બૂમ, અવાજ વગરની, એક પ્રવાહ જેની ભીનાશ ખોવાઈ ગઈ છે... આ વરસાદમાં એને ડૂમો થઈ જવું છે કે ચીસ થઈને ફાટવું છે પણ ચારેકોર સમય શૂન્ય થઈને ચત્તોપાટ પડયો છે મારામાં ને ખાબકી છે નરી શૂન્યતા...



આમ જુઓ તો બધું સેળભેળ થઈ ગયું છે, છાતી ને આગળા ને ડેલી ને વરસાદ... બધું ચપોચપ વસાયેલું છે ને પથરાય છે સૂકો ખાલીખમ દરિયો! કોઈક આવીને ઉઘાડશે આ ચસોચસ વસાયેલા છાતીના દરવાજા? કોઈક ઉઘાડશે જામી ગયેલા આગળા?

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment