Wednesday, September 28, 2011

ક્ષણે ક્ષણે અંત, પળે પળે આરંભ!



જગત તો સતત નવું હોય છે, પણ મગજ જૂનું હોવાને કારણે આપણને નવું ઝટ નજરે નથી ચઢતું.




એક વાત કમાલની છે. કોઈ માણસ શાપ મેળવવા માટે તપ કરે? હા, કરે. આપણાં પુરાણોમાં એવી અનેક અનેક કથાઓ છે જેમાં સૌથી ઉગ્ર તપ સૌથી મોટા શાપ માટે કરવામાં આવેલાં. વાત જાણે એમ છે કે જીવનની સૌથી વધુ ત્રાસજનક બાબત અને સૌથી વધુ ઇચ્છિત બાબત, બન્ને એક જ છે. બોલો, એ ચીજ કઈ? પૈસા, ના. પ્રસિદ્ધિ, ના. જવાબ છે: અમરત્વ. રાવણથી માંડીને હિરણ્યકશ્યપુ જેવા કેટકેટલાય ‘તપસ્વી’ઓએ અમરત્વ મેળવવા ઘોર તપશ્ચર્યા કરેલી.




બીજી તરફ, પાંડવોના સંતાનોની હિચકારી હત્યા કરવા બદલ અશ્વત્થામાને જગતનો સૌથી આકરો શાપ મળ્યો, અમરતાનો શાપ. આ લખનારને નાનપણમાં આ વાતની ભારે નવાઈ લાગતી કે ‘મને કોઈ મારી ન શકે’ એવી હિરણ્યકશ્યપુની માગણી વરદાન ગણાય, જ્યારે અશ્વત્થામાને ‘તું ક્યારેય મરીશ જ નહીં’ એવું કહેવાયું એ શાપ ગણાય. નાનપણની આ મૂંઝવણ હવે ઉકલી ચૂકી છે. આ ‘ગોટાળા’નો જવાબ સ્પષ્ટ છે: અમરતા વરદાન નહીં, શાપ જ છે. મોત આવે જ નહીં એથી મોટો ત્રાસ બીજો કયો હોઈ શકે? મરવાનું જ નહીં? તો તો મરી રહેવાય...



અંત વિના ન ચાલે



અંત બહુ જરૂરી છે. ફિલ્મ પૂરી જ ન થાય તો કેવી કંટાળાજનક બની રહે? આ લેખ ખૂટે જ નહીં, તો વાંચે કોણ? અંતનું સૌથી સારું પાસું એ છે કે એ નવા આરંભ માટે દરવાજો ખોલે છે. સૂરજ ઢળે જ નહીં તો ઊગે કેવી રીતે? જીવનના અંત પછી જીવ નવો જન્મ લેતો હશે કે નહીં એ બધી ભાંજગડમાં ન પડીએ તો પણ, આ પૃથ્વી પર નવા માણસો જન્મે ત્યારે એમના માટે જગ્યા કરી આપવા માટે જૂના માણસોએ જવું જરૂરી છે. પૃથ્વી બની ત્યારથી આજ સુધી કોઈ મર્યું જ ન હોત તો પૃથ્વીની વસતિ આજે કેટલી હોત? આ સવાલ ડિપ્રેસ કરી દે તેવો છે. ટૂંકમાં, પુનર્જન્મ હોય કે ન હોય, નવાં જન્મતાં બાળકો માટે વૃદ્ધો આ પૃથ્વી પર જગ્યા કરી આપે એ ઇચ્છનીય જ છે.



શરૂઆતનો કોઈ અંત નથી



આ અંક છે આરંભ વિશેષાંક. એટલે પહેલાં તો આરંભના પાયા વિશે સ્પષ્ટ થઈ જઈએ કે આરંભના પાયામાં છે અંત. હવે વાત કરીએ આરંભની. આરંભ... એક નવી શરૂઆત... અહા! શરૂઆતમાં એક રોમાંચ હોય છે. પ્રેમનો જ દાખલો લો. બે જુવાનિયા એકમેકને મળે, એક સંબંધની શરૂઆત થાય, બન્ને એકમેક વિશેની નવીનવી વાતો જાણે... આ તબક્કો પ્રેમનો સૌથી જોશીલો તબક્કો હોય છે. પછી પ્રેમ ઠરી ન જાય તો પણ, એમાં એક ઠહેરાવ આવે છે, પકવતા આવે છે. એ પકવતા પહેલાનો ઉન્માદી પ્રેમ એટલો નશીલો હોય છે કે અમુક લોકોને વારંવાર પ્રેમમાં પડવાનું મન થતું હોય છે.



ના, આ કંઈ હસવા જેવી કે ઉતારી પાડવા જેવી વાત નથી. જગતની શ્રેષ્ઠ સાહિત્યકૃતિઓમાં સ્થાન મેળવનાર કૃતિ ‘માદામ બોવારી’ની નાયિકાના પાત્ર દ્વારા લેખક ગુસ્તાવ ફલોબરે માદામ બોવારી નામની એક એવી યુવતીની વાર્તા કહેલી જેને નવા નવા પ્રેમનું જાણે વ્યસન થઈ ગયેલું. એને રોગ કહો કે નબળાઈ, છેવટે બિચારી બોવારીની ભારે વાટ લાગી. આ નવલકથા પરથી કેતન મહેતાએ ફિલ્મ બનાવી ત્યારે માદામ બોવારીના પાત્રનું નામ રખાયું માયા.



ફિલ્મનું નામ હતું ‘માયા મેમસાબ’. માયા પ્રેમમાં પડ્યા પછી પરણે છે અને પરણ્યા પછી વારાફરતી બે પરપુરુષના પ્રેમમાં પડે છે. છેવટે થાકે છે. ફિલ્મના અંત ભાગમાં માયા (દીપા સાહી) એક પાર્ટીમાં ગબડી પડે છે. પછી નાચી-ઝૂમી રહેલા લોકો વચ્ચે ચાર પગે ચાલતી-ઠેલાતી માયાને પોતાનો થાક, પોતાની ટ્રેજેડી સ્પષ્ટ સમજાય છે. એ જાણે છે કે નવાં નવાં પ્રેમપ્રકરણો કોઈ ઇલાજ નથી, છતાં સંબંધોની નવી નવી શરૂઆત કર્યા વિના રહી પણ શકાતું નથી. આ વેદના વ્યક્ત કરતાં એ કહે છે: શુરૂઆત કા કોઈ અંત નહીં...



બહુ સરસ વાક્ય છે: શરૂઆતનો કોઈ અંત નથી. માણસ જન્મે ત્યારથી મરે ત્યાં સુધી, એ ઇચ્છે કે ન ઇચ્છે, નવી નવી શરૂઆતો થતી જ રહે છે. ઘોડિયા પછી પથારીમાં સુવાની શરૂઆત, સ્તનપાન પછી ગ્લાસમાંથી દૂધ પીવાની શરૂઆત, બાળમંદિર-પ્રાથમિક-હાઈસ્કૂલની શરૂઆત. નવા નગરમાં રહેવાની શરૂઆત. નોકરીની શરૂઆત. એક નોકરી છોડીને બીજીની શરૂઆત. લગ્ન બાદ નવી વ્યક્તિ સાથે રહેવાનું શરૂ થાય, બાળક અવતરે, એને પહેલાં ઘોડિયામાં અને પછી પથારી પર સુવાડાવવાનું અને સ્તનપાન છોડાવીને ગ્લાસમાંથી દૂધ પીવડાવાની શરૂઆત કરવાની... કોઈ અંત જ નથી નવી શરૂઆતોનો.



હાં કંટાળો વિપુલ ઝરણું...



અને તેમ છતાં, જીવનની સૌથી મોટી કમનસીબીઓમાંની એક કમનસીબી છે એકધારાપણું! શરૂઆત વિશે ઉપર ઘણી વાતો કરી, પરંતુ હકીકત એ જ છે કે આપણામાંનાં મોટા ભાગના લોકોનું જીવન એકધારું, બીબાંઢાળ, ઘરેડિયું હોય છે. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યૂં હી તમામ હોતી હૈ. માણસ નિવૃત્ત થાય ત્યારે ફેરવેલ પાર્ટી વખતે મોટે ભાગે એને એવો જ વિચાર આવે કે ‘સમય બહુ ઝડપથી પસાર થઈ ગયો. મેં એકનું એક કામ કર્યા કર્યું અને દાયકા વીતી ગયા.’



આવી રીતે માણસ ઢીલો પડી જાય એ તો કેમ ચાલે? આવા એકધારા-રગશિયા જીવનથી બચવાનો એક સીધો રસ્તો છે, જાતે પરિવર્તન પેદા કરવું. આ અંકમાં જીવનમાં મોડેથી નવી શરૂઆત કરનારાઓ વિશેનો દિવ્યાશા દોશીનો લેખ વાંચજો. આવી શરૂઆત તમે પણ કરી શકો. જેમ કે, બીજી બધી રીતે ‘રેગ્યુલર’ જીવન ચાલુ રાખીને કાલથી તમે હાર્મોનિયમ શીખવાનું શરૂ કરવા માગો તો તમને કોણ રોકે છે? મને સમય નથી મળતો એવું તો કહેશો જ નહીં.



ઘર-બાળકો-વૃદ્ધ માતાપિતા... ગમે તેટલી જવાબદારીઓનો ખડકલો હોય તો પણ કાલથી હાર્મોનિયમ શીખવાનું શરૂ કરી શકાય. એ માટે સમય કઈ રીતે કાઢવો એ સવાલ સતાવતો હોય તો જરા કહો જોઉં, તમે ટીવી કેટલો સમય જુઓ છો? ટીવી જોવાનું સાવ બંધ ન કરો તો પણ, એ સમયમાંથી અડધો સમય ચોરીને હાર્મોનિયમસાધનાનો આરંભ કરી શકાય.



સવારે અડધા કલાક વહેલા ઊઠીને કે રાત્રે અડધો કલાક મોડા સૂઈને પણ નવા શોખ માટે સમય ચોરી શકાય. મૂળ વાત એ છે કે ઇચ્છા તીવ્ર હોવી જોઈએ. મન હોય તો માળવે જવાય. બાકી, ‘સમય નથી’, ‘લોકો મને નડે છે, ઘરનાં સભ્યો મને સાથ નથી આપતાં’ આ બધાં લૂલાં બહાનાં છે, બકવાસ છે. બ.... ક.... વા... સ... સોરી, નો આર્ગ્યુમેન્ટ્સ!



હઝારોં ખ્વાહિશેં ઐસી



તો, કશુંક નવું શીખતાં રહેવાથી જીવંત રહી શકાય. પણ એની એક મર્યાદા હોય છે. હાર્મોનિયમ પણ શીખવું છે અને સ્કીઇંગ પણ કરવું છે અને શક્ય તેટલા દેશો પણ જોવા છે અને બ્યૂટી પાર્લર પણ ખોલવું છે... આવી હઝારો ખ્વાહિશેં હોય તો એ બધી પૂરી નહીં જ થાય. એટલે ‘અરમાનોની અગ્રિમતા’ તો નક્કી કરવી પડે. પછી એકાદ-બે સૌથી તીવ્ર અરમાનો પાછળ જુસ્સાભેર લાગી પડીએ તો જીવનમાં નાવિન્યની જરૂરિયાત અમુક અંશે સંતોષી શકાય. પણ અમુક જ અંશ સુધી. કારણ કે બાહ્ય પ્રવૃતિઓમાં ગમે તેટલું વૈવિઘ્ય લાવો, છેવટે નવી પ્રવૃત્તિ જૂની બનવાની જ છે અને છેવટે ફરી પેલો વિકરાળ કંટાળો ડાચું ફાડીને સામું ઊભો રહેવાનો જ છે, કારણ કે મૂળ લોચો મનનો જ છે. એ તરત કંટાળી જાય.



મનની એક ભયાનક કુટેવ છે: નાવિન્યમાંથી સાતત્ય શોધી કાઢવાની. સાદા શબ્દોમાં કહીએ તો: મન નવામાંથી જૂનું શોધી કાઢીને તરત ચુકાદો આપી દેતું હોય છે કે આ તો એનું એ જ છે. અસલમાં કશું જ ‘એનું એ’ નથી હોતું. સૃષ્ટિ સતત પરિવર્તનશીલ છે, ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. પરિવર્તન સતત ચાલે. આપણા સૌના શરીરમાં રોજ લાખો કોષો મરે છે અને નવા જન્મે છે. પણ કોષો બહુ શાંત હોય છે. બાજુનો કોષ મરી જાય તો આસપાસના કોષ એની મરણસભા નથી યોજતા કે નવા કોષના જન્મને વધાવવા નજીકના કોષો ઢોલનગારાં નથી વગાડતાં. પરિણામે આખો ખેલ બહુ શાંતિપૂર્વક ચાલતો રહે છે અને આપણને એવું લાગે જાણે આપણે તો એકધારા જ છીએ.



નથી, આપણે એકધારા નથી. ખાતરી ન થતી હોય તો પતિ કે પત્નીનો રોજેરોજનો મૂડ જોજો. એમાં ક્યારેક સુક્ષ્મ સ્તરે કે ક્યારેક અત્યંત મોટે પાયે બદલાવો આવતાં જ હોય છે. છતાં, આપણે એવું માનીએ કે જીવનસાથીની તો આપણે રગેરગ જાણીએ છીએ. ઘરથી ઓફિસનો રસ્તો આપણને રોજ એકસરખો લાગતો હોય છે, પણ વાસ્તવમાં રોજ એ રસ્તે નવા નવા માણસો જોવા મળતા હોય છે.



પક્ષીઓનો કલબલાટ હોય કે બાળકોનું હાસ્ય, એ સોએ સો ટકા અગાઉ જેવાં હોઈ જ ન શકે. પણ અગાઉના અને આજના કલબલાટ કે હાસ્યમાં ફરક નોંધવા માટે કાન જોઈએ. રોજિંદા દ્રશ્યોમાં નાવિન્ય જોવા માટે આંખ જોઈએ. આ આંખ અને કાન તો બાહ્ય ઇન્દ્રિય છે. એનો બોસ છે મન. મન નવું, ફ્રેશ હોય તો દુનિયા રોજ ફ્રેશ લાગે.



મન રે તૂ કાહે ન ધીર ધરે...



પણ મગજ જૂનાંમાંથી ઊંચું નથી આવતું. મગજની આ મર્યાદા સમજવાને બદલે આપણે ઘણી વાર બાહ્ય જગતમાં સતત ફેરફારો કરવા મથીએ છીએ. છેવટે, માદામ બોવારી જેવી હાલત થાય છે. એક જ જીવનસાથી, એકની એક નોકરી, એકનું એક ઘર... મનને આ બધું સ્થિર-એકધારું-ત્રાસજનક લાગવા માંડે તો શું સ્થિરતા તોડીફોડી નાખવી? ના, એવું કરવું મૂર્ખામી છે. વારંવાર પરણી ન શકાય. દર મહિને નોકરી ન બદલી શકાય. છ-છ મહિને ઘર બદલવા જાવ તો ગાંડા થઈ જાવ.



ટૂંકમાં, બધી વાતે સતત નવી શરૂઆત કરવાનું પ્રેક્ટિકલી શક્ય નથી. અને આમ પણ, જીવનમાં સ્થિરતાનું પણ પોતાનું પોતીકું મૂલ્ય, આગવું સૌંદર્ય હોય છે. માણસ ફરવાનો ગમે તેટલો શોખીન હોય તો પણ, બે મહિનાની યાત્રા બાદ પોતાના ઘરમાં, પોતાની પથારીમાં લંબાવીને રાજી રાજી થતો હોય છે: હાશ! છેવટે મારી પથારી મળી ખરી.



પાઘડીનો વળ છેડે...



ખેર, અંત-આરંભ-નાવિન્ય-ઘરેડ-કંટાળા વિશે આડાઅવળા અનેક એન્ગલ્સની ચર્ચા પછી હવે આવીએ હાર્દ પર. હાર્દ છે: સંતુલન. જીવનમાં સ્થિરતા અને નાવિન્ય વચ્ચે સંતુલન જરૂરી છે. અને પાડ માનો કુદરતનો કે આ સંતુલન કુદરતી રીતે જ જળવાયેલું છે. તમે માનશો નહીં, પણ હકીકત એ જ છે કે સ્થિરતા અને નાવિન્ય વચ્ચેના સંતુલન માટે આપણે કશું કરવાની, બાંયો ચઢાવવાની, મથવાની કોઈ જરૂર નથી. કારણ કે એ સંતુલન તો પહેલેથી જ સધાયેલું હોય છે. કઈ રીતે? આ રીતે...



આપણે જન્મીએ ત્યારથી મરીએ ત્યાં સુધીમાં શરીર અને મન સતત બદલાતાં રહેતાં હોય છે, તો પછી પહેલેથી છેલ્લે સુધી, સળંગ, સ્થિર, એકધારું એવું શું કશું જ નથી? છે. એ છે જીવ, ધ લાઈફ. એને આત્મા કહો, ચેતના કહો કે બીજું જે કંઈ પણ કહો, હું એને જીવ તરીકે ઓળખવું વધુ પસંદ કરું છું, કારણ કે જીવ એ એકદમ સીધોસાદો, ભાર વિનાનો શબ્દ છે. જીવ સ્થિર છે, સળંગ છે. આપણે ઊંઘી જઈએ ત્યારે પણ જીવ તો હોય જ છે. મન સળંગ નથી. એ રાત્રે ઠપ્પ થાય, ઉંમર સાથે બદલાતું જાય, એ બાળક-યુવાન-વૃદ્ધ થાય. પણ જીવ તો એનો એ જ.



એ સ્થિર જીવ જ્યાં સુધી ટકે ત્યાં સુધી જીવન છે. મતલબ આપણા જીવનના પાયામાં જ સ્થિરતા છે. આપણે ગમે તેટલું નવું નવું શરૂ કરીએ, ગમે તેટલા આરંભો કરીએ, જીવ તો જાણે આખા નાટકના તખ્તા જેવો સ્થિર ટકે છે. ઉપર ખેલ ચાલતા રહે. મંચ ચૂપચાપ ઊભો રહે. હવે જો આ વાત બરાબર સમજાઈ જાય કે હું કંઈ શરીર કે મન જ નથી, હું શરીર-મન-જગતના આખા ખેલને આધાર પૂરો પાડતો મંચ છું, તો કુછ બાત બને. તમે કહેશો: આવું સમજાય તેથી ફાયદો શું? ફાયદો છે. ફાયદો સૂક્ષ્મ છતાં પ્રચંડ છે.



જ્યારે આપણને એ સમજાય કે હું કંઈ શરીર જ નથી, હું કંઈ મન જ નથી, ત્યારે આપણા આખા અસ્તિત્વમાં એક ઝબકારો થાય છે અને એ ઝબકારની રોશનીમાં શરીર અને મનની ઔકાત પરખાઈ જાય છે. મનની દાદાગીરી, બોસગીરી ભાંગી પડે છે. આપણી જાગૃત અવસ્થામાં આપણા પર સતત ચાલતું મનનું રાજ તૂટી પડે છે. આવું જ્યારે થાય છે ત્યારે ક્ષણે ક્ષણે અંત અને પળે પળે આરંભનો અહેસાસ થઈ શકે. આ અવસ્થાનું વર્ણન કરવામાં શબ્દો ટૂંકા પડે. છતાં, બહુ બહુ તો એટલું કહી શકાય કે મનમાં જ્યારે મૌનનો પ્રકાશ રેલાય ત્યારે આપણને જગતની પરિવર્તનશીલતા એકદમ ચોખ્ખી દેખાય.



પ્રત્યેક પંખીનો પ્રત્યેક કલબલાટ જુદો હોવાનું પરખાય, પાંદડાંના પ્રત્યેક અવાજની મૌલિકતા, નાવિન્ય અનુભવાય. આવું થવું સ્વાભાવિક છે. આ તો ચશ્માના કાચ લુછ્યા બાદ દ્રશ્ય સ્પષ્ટ દેખાય એવી વાત છે. બીજી રીતે કહીએ તો જગતને નવજાત શિશુની દ્રષ્ટિથી જોવાની આ કવાયત છે. બાળકની આંખોમાં અપાર વિસ્મય હોય છે. શા માટે? કારણ કે એનું મગજ હજુ ઝાઝું સક્રિય નથી બન્યું, એનાં ચશ્માં ગંદાં નથી. એના પર જીવતરના અનુભવોનો બોજ નથી. એનું મગજ બંધિયાર નથી થયેલું. માટે એ ચોખ્ખી નજરે જોઈ શકે છે, માટે એ વિસ્મયથી, રસથી જગતને માણી શકે છે.



તો, વાત ફક્ત એટલી જ છે કે મગજ, આમ બીજી બધી રીતે ઘણું ઉપયોગી સાધન હોવા છતાં, જૂના કચરાથી એ લદાયેલું હોવાને લીધે એ નવું નવું જોઈ નથી શકતું. જગત તો સતત નવું હોય છે, પણ મગજ જૂનું હોવાને લીધે આપણને જગત પણ જૂનું લાગે છે. આવામાં, મગજનો કાચ જો સ્વચ્છ થઈ જાય તો જગતની હકીકત ચોખ્ખી દેખાય. આવી સ્વરછ દ્રષ્ટિથી, શાંત મગજથી અનુભવી શકાય કે જીવન તથા જગત દરેળ પળે નાવિન્યપૂર્ણ જ હોય છે.



વાત સમજાઈ? જો સમજાઈ હોય તો બહુ સારું. જો ન સમજાઈ હોય તો વાંક આ લખનારનો જે એક સાવ સીધી અને સરળ વાતને પણ એવી ગોળ ગોળ રીતે રજૂ કરે છે કે સમજાતી નથી. ખેર, ઘણી વાતો થઈ ગઈ. હવે આ લેખનો અંત જરૂરી છે. આ લેખ પતશે તો તમે બીજો લેખ વાંચવાનો આરંભ કરી શકશો. તો, અંતમાં એટલું જ કહેવાનું કે શરીર અને મનની અસલિયત વિશે જાગૃતિ કેળવાય તો અસ્તિત્વ સતત તાઝગીપૂર્ણ લાગી શકે. જરૂરી છે ફક્ત એક જ ચીજ: જાગૃતિ. કોઈ કવિએ બહુ સારી રીતે કહ્યું છે: ઝિંદગી ખૂદ હી ઇબાદત હૈ, અગર હોંશ રહે.



પૂર્ણવિરામ



૯ જૂને અવસાન પામનાર ચિત્રકાર એમ. એફ. હુસેન જ્યારે ૯૦ વર્ષના થયા, ત્યારે એમણે કહેલી આ વાત આ લેખને સમજવામાં મદદરૂપ બની શકે તેવી છે:



ઉપરવાળાની કૃપાને લીધે જગતને હું બાળકની દ્રષ્ટિથી જોઈ શકું છું. હું જે કંઈ સંવેદું છું એમાં મને ભારે રસ પડે છે. મને તો પ્રત્યેક નવો દિવસ એક જાદુઈ પટારા જેવો લાગે છે, જેમાંથી એવી એવી રંગબેરંગી ચીજો નીકળે છે કે મારો અચંબો ઠરતો જ નથી. નાવિન્ય પ્રત્યેની આ જે મુગ્ધતા છે, એમાં મને જે મજા પડે છે એને લીધે આ (૯૦ની)ઉંમરે પણ હું તરોતાજા છું.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment