Thursday, July 28, 2011

વહાલા બાળકને…..


ભગવાન એક નાનકડા બાળકને કહે છે……..
તું સવારે પથારીમાંથી ઉઠ્યો ત્યારે હું તારા ઓશિકા પાસે જ ઉભો હતો. મને થયું તું મને યાદ કરીશ્ પણ તું ઉતાવળમાં હતો કેમેકે ઉઠવામાં મોડું થઈ ગયું હતું મને થયું કશો વાંધો નહીં … તું મારું નાનકડું બાળક છે. તું તારા સવારના નિત્યકર્મ પતાવી ટેબલ પર નાસ્તો કરવા બેઠો ત્યારે મને થયું તું મને યાદ કરીશ.પણ તારે સ્કુલે જવાનું મોડુ થતું હતું એટલે તું મને ભૂલી ગયો. સ્કુલમાં ગયો ત્યારે પ્રાર્થના પૂરી થઈ ગઈ હતી. તું તે સમયે પણ મને યાદ ના કરી શક્યો. સ્કુલથી ઘેર આવી જમવા બેઠે ત્યારે મને થયું આ વખતે તો તું મને યાદ કરીશ જ પણ તને સખત ભૂખ લાગી હતી એટલે તું ઝડપથી જમવા માંડ્યો અને મને ભૂલી ગયો. સાંજે નાસ્તો કરતી વખતે મને થયું તું કદાચ મને યાદ કરીશ પણ તારા દોસ્તો બહારથી તને રમવા માટે બોલાવતા હતા એટલે તારો જીવ રમવામાં હતો અને મને તું ભૂલી ગયો. રાત્રે જમવા માટે જ્યારે બધા ખુરશી પર ગોઠવાયા ત્યારે મને થયું કે આ વખતે તો તું જરૂર મને યાદ કરીશ જ. પણ તું રમીને આવ્યો હતો એટલે સખત ભૂખ્યો થયો હતો અને મમ્મીએ સરસ જમવાનું બનાવ્યું હતું એટલે તું ફટાફટ જમવા લાગ્યો અને મને ભૂલી ગયો. રાત્રે તું પથારીમાં સુવા ગયો ત્યારે મને થયું હવે તો તું મને યાદ કરીશ જ્ પણ તને સખત ઉંઘ આવતી હતી એટલે તું તરત જ સુઈ ગયો. બેટા કશો વાંધો નહીં. હું એમ થાકું તેમ નથી. કાલે સવારે તો હું તારી સામે હાજર જ હોઈશ. મને યાદ કરીશ ને. મને ચોક્કસ ખાતરી છે કે એક દિવસ તો તું મને જરૂર યાદ કરીશ જ કેમકે તું મારું ખૂબ ખૂબ વહાલું બાળક છે.

જાતમહેનત ઝિંદાબાદ


ishwar_chandra_vidyasagar1
ઇશ્વરચદ્ર વિદ્યાસગરનાં નામથી કોણ અજાણ હોય ? તેઓ મૂળ બંગાળના.
તેમના પિતા ખૂબ જ ગરીબ હતા.નાંનપણમાં તેમન પોતાની અને ઘરનાં માણસોની રસોઈ જાતે જ બનાવવી પડતી.આટલું જ નહીં પણ ઘરની સફાઈ વાસણ કપડાની સફાઈ પણ જાતે જ કરવી પડતી.કામ પૂરું કરીને બાકીનો જે સમય મળે તેમાં તેઓ અભ્યાસ કરતા.ભણવામાં તે ખૂબ જ હોંશિયાર હતા.મોટા થઈને તેઓ જે કમાયા તેમાંથી લાખો રૂપિયા ગરીબોની સેવામાં વાપર્યા. આખા ભારતમાં તેમનું નામ રોશન થાય તેવા કાર્યો તેમણે કર્યા. આટલા મહાન હોવા છતાં તેમને પોતાના ધન કે ગ્ન્યાનનું સહેજ પણ અબિમાન નહતું.
અહીં એક પ્રસંગ આપું છું જે આપણને ઘણી જ પ્રેરણા આપી જાય છે.
એક રાત્રે તેઓ ટ્રેનમાંથી સ્ટેશન પર ઉતર્યા.આ જ વખતે એક શહેરી બાબુ પણ ટ્રેનમાંથી ઉતર્યા અને તેમણે ઇશ્વરચંદ્રને જોયા અને “કુલી…કુલી અહીં આવ. આ સામન ઉપાડી લે. “
આમ બૂમ પાડી તેમને બોલાવ્યા. ઇશ્વરચંદ્ર તો ઘણી જ નમ્રતાથી તેમની પાસે જઈ બોલ્યા-” હુકમ સરકાર. “
શહેરી બાબુ બોલ્યા-” લે ચાલ, આ સામાન માથે ઉપાડી બહાર સુધી લઈ જા.” ઇશ્વરચંદ્રે તો ચૂપચાપ તેમનો સામાન માથા પર મકી ચાલવા માંડ્યું.સ્ટેશન બહાર રીક્ષામાં સામાન મૂકી બોલ્યા-સરકાર હજી બીજું કાંઈ કામ છે
શહેરીબાબુએ તેમની કામ કરવા બદલ્ મજૂરી ચૂકવવા માંડી તો તે બોલ્યા-માફ કરજો સાહેબ મજૂરી તો હું નહીં લઉં.મારો એક ભાઈ પોતનું કામ જાતે કરી શકતો નથી.તેનો સામાન મેં ઉપાડ્યો તેમાં મેં કોઈ મહાન કામ નથી કર્યું.તમારે જો મને આપવું જ હોય તો એક વચન આપો કે તમે તમારું કામ પોતાની જાતે જ કરશો.

શહેરી બાબુએ ધ્યાનથી જોયું તો તેમણે ઇશ્વરચંદ્રને ઓળખી કાઢ્યા. તે તેમને જ મળવા આવ્યા હતા.

બિચારા ખૂબ જ શરમાઈ ગયા અને ભવિષ્યમાં પોતાનું કામ જાતે જ કરવાનો સંકલ્પ કર્યો.

રમ્યાને અભિનંદન



રમ્યા જોઝ મલ્લાપુરમ, કેરાલાની 20 વર્ષની કન્યા. દસમાં ધોરણમાં હતી અને માને કેંસરની બીમારી થઇ. ઘરની જવાબદારી નાનકડી રમ્યા પર આવી પડી. રસોઇ કરવી, ઘર સફાઇ કરવી, વાસણ કરવાં, કપડાં ધોવાં અને ઉપરથી નિશાળમાં દસમાની તૈયારી કરવી. ક્લાસમાં પહેલો નંબર રાખતી રમ્યાએ વીજળી વગર ચાલતા વૉશીંગ મશીનની ડીઝાઇન બનાવી. તેના પિતા જૉસેફ પોતે શિક્ષક છે તેણે રમ્યાની ડીઝાઇનમાં રસ લીધો અને સ્થાનિક ફેબ્રિકેટરની મદદથી પેડલથી ચાલતું વૉશીંગ મશીન બનાવ્યું. નેશનલ ઇનોવેટીવ ફાઉંડેશન (NIF) એ આ શોધમાં રસ લીધો અને “ગ્રાસ રૂટ ટેકનોલોજીકલ ઇનોવેશન એંડ ટ્રેડીશનલ નોલેજ” ની હરિફાઇમાં આશરે 25000 હરીફોમાં રમ્યા પ્રથમ આવી. તે વખતના ભારતના રાષ્ટ્રપતિ માન. શ્રી અબ્દુલ કલામે તેને એવોર્ડ આપ્યો. ડીસ્કવરી ચેનલે તેની શોધનો વીડીયો ઉતાર્યો અને તે યુ-ટ્યુબ પર હીટ પુરવાર થયો.
(http://www.youtube.com/watch?v=rk-H8gGPsGU) હાલમાં રમ્યા ઈલેક્ટ્રોનિક એંજિનીયરીંગમાં અભ્યાસ કરે છે

વૃક્ષારોપણ



ઉનાળાની સખત ગરમીમાંથી મુક્તિ આપતી તથા ધરતી અને માનવને શાતા આપતી એવી વર્ષાૠતુ શરૂ થઇ. માહોલ આખો જ બદલાઇ ગયો. લોકો આનંદમાં આવી ગયા.ખેડૂતો રાજી રાજી થઇ ખેતીના કામમાં લાગી ગયા. કુદરતનાં ચાહકો, રક્ષકો, વૃક્ષારોપણ માટે ક્યારના ય તૈયાર થઇને બેઠેલા જ હતા. વરસાદ પડતાંની સાથે જ બધા સક્રિય થઇ ગયા. વિદ્યાવિહાર શાળાનાં શિક્ષકો પણ પોતાના ધોરણના બાળકોને લઇને વૃક્ષારોપણ માટે વનવિભાગમાંથી રોપ લઇ આવ્યા.પાવડા,ત્રિકમ,ખાતર,રોપાઓ વિગેરે વિગેરે સામગ્રી એકઠી કરી બધા જ આગોતરા આયોજન મુજબ વૃક્ષારોપણ કરવા જવાના હતા.

છોકરો અને સફરજનનું વૃક્ષ



ઘણા સમય પહેલાં સફરજનનું એક મોટું વૃક્ષ હતું. એક નાનકડો છોકરો ત્યાં રમવા આવતો. વૃક્ષની આસપાસ દોડતો, તેના પર ચઢતો, સફરજન ખાતો અને આનંદ કરતો. વૃક્ષ આથી ખૂબ ખુશ થતું.
સમય પસાર થતો ગયો .ધીમે ધીમે છોકરો મોટો થવા લાગ્યો. હવે તે વૃક્ષ પાસે બહુ રમવા બહુ ઓછો આવતો. વૃક્ષ રોજ તેની રાહ જોતું.
એક દિવસ છોકરો આવ્યો. વૃક્ષ બોલ્યું, “આવ, અને મારી આસપાસ રમ.” છોકરો બોલ્યો, ” હવે હું નાનકડું બાળક નથી. હું મોટો થઇ ગયો છું. મારે રમકડા ખરીદવા છે પણ મારી પાસે પૈસા નથી. તું મને મદદ કરી શકે???” વૃક્ષ બોલ્યું, “મારી પાસે પૈસા નથી પણ સફરજન છે. તું બધા સફરજન ઉતારી લે. તેને વેચી નાંખજે એટલે તને પૈસા મળી જશે. તેનાથી તું રમકડાં ખરીદજે.” છોકરાએ બધા સફરજન ઉતારી લીધા અને લઇ ગયો. ત્યારબાદ તે ઘણા સમય સુધી આવ્યો જ નહીં. વૃક્ષ ખૂબ દુઃખી થઇ ગયું. એકલવાયું થઇ ગયું.
ઘણા વખત પછી પેલો છોકરો વૃક્ષ પાસે આવ્યો. વૃક્ષ રાજીરાજી થઇ ગયું. તે બોલ્યું, “આવ, મારી આસપાસ રમ.” છોકરો બોલ્યો, “હવે તો હું મોટો માણસ બની ગયો છું. છોકરો નથી રહ્યો. મારી પાસે સમય નથી.ખૂબ કામ રહે છે. મારે પણ કુટુંબ છે અને તેનું મારે ધ્યાન રાખવું પડે છે. અમારે રહેવા માટે ઘર બનાવવું છે. તું મને મદદ કરી શકે??” વૃક્ષ બોલ્યું, ” મારી પાસે ઘર તો નથી પણ તું મારી ડાળીઓ કાપીને લઈ જા અને ઘર બનાવી લે.” તે માણસે તો બધી જ ડાળીઓ કાપી લીધી અને તે લઇને ચાલતો થયો.
ઘણાં વર્ષો વીતી ગયા.તે માણસ ફરી કદી આવ્યો જ નહીં. વૃક્ષ સાવ જ ઉદાસ અને એકલવાયું થઇ ગયું.
એક દિવસ તે આવ્યો અને તો ખુશ ખુશ થઇ યું. તે બોલ્યું, ” આવ, મારી આસપાસ રમ.” માણસ બોલ્યો, ” હવે તો મારી ઉંમર થઇ છે. હું ખૂબ જ થાકી ગયો છું. હું બોટમાં સફર કરી દૂર દૂર જવા માંગું છું. તું મને બોટ આપી શકે???” વૃક્ષ બોલ્યું, “મારી પાસે બોટ તો નથી પણ આ જાડું થડ છે. તે કાપીને લઈ જા અને બોટ બનાવી લે અને દૂરદૂર સફર માટે જા અને ખુશ રહે.”માણસે વૃક્ષનું થડ કાપી લીધું અને લઇ ગયો. હવે વૃક્ષ સાવ જ બુઠ્ઠું થઇ ગયું માત્ર મૂળ જ રહ્યા. તેના દુઃખનો પાર નહતો.
વળી પાછ ઘણા સમય પસાર થઇ ગયો. પેલો માણસ એક દિવસ આવ્યો. તે ખૂબ જ ઘરડો લાગતો હતો. વૃક્ષ બોલ્યું, ” હવે તો મારા મૂળ જ રહ્યા છે. હું કશું જ આપી શકું તેમ નથી. મારી પાસે સફરજન નથી કે તું ખાઇ શકે.”માણસ બોલ્યો, “મારે સફરજન ખાવા પણ નથી કેમકે મારે દાંત જ નથી કે હું કાપી કે ચાવી શકું.વૃક્ષ બોલ્યું,” હવે મારી પાસે ડાળીઓ પણ નથી કે તું ઉપર ચઢીને કુદાકુદ કરી શકે.” માણસ બોલ્યો,” હું હવે ઘરડો થઇ ગયો છું. તારી ઉપર ચઢી શકું તેમ જ નથી. “
તે બોલ્યો ” મારે હવે કશું જ નથી જોઇતું. હું શાંતિથી તારી પાસે બેસવા આવ્યો છું અને તારા દેહ પર મારું શરીર મૂકી આરામ કરવૉ છે.” વૃક્ષ આ સાંભળી ખૂબ ખુશ થયું કેમેકે હવે આ માણસ તેની પાસે રહેવાનો હાતો પણ તેની હાલત જોઇને રડી પડ્યું.
આપણા દરેકનાં જીવનમાં આવું એક વૃક્ષ હોય છે જ અને તે છે આપણાં મા-બાપ ……
આપણે ગમે તેટલા વ્યસ્ત હોઇએ તો પણ આપણા મા-બાપ માટે થોડો સમય ફાળવવો જ જોઇએ. કારણકે તેમણે આપણા માટે જે કર્યું છે તેનો બદલો તો આપણે વાળી સશકીએ તેમ જ નથી પણ તેમને સુખી, હૂંફની થોડી ક્ષણો આપી શકીએ તો આપણું જીવ્યું સાર્થક ગણાય…..
જો આપણે તેમેને માટે આવો સમય ફાળવીશું તો જ આપણા બાળકો આપણા માટે પણ સમય ફાળવશે……..
નીચેની લીન્ક પર ક્લીક કરો…

છ-સાત માસના બાળકને કેમ રમાડવું


six month baby-1
["રીડગુજરાતી" અને "બાલમૂર્તિ"સામાયિકમાંથી સાભાર.]
છ-સાત માસના બાળકને કેમ રમાડવું એ ઘર-ઘરનો અગત્યનો સવાલ છે અને તેના ઉકેલ માટે જો દષ્ટિ હોય તો ઉપાય પણ છે જ. ઊંઘ અને આહાર પછીની આ બાબત એટલી મહત્વની છે કે તેમાં જો આપણે પૂરતી કાળજી ન લઈ શક્યા તો બાળકનો યોગ્ય ઉછેર નહિ થઈ શકે. બાળકને ઉછેરવું એટલે તેને સાચવવું એ ખ્યાલ ગલત છે. ઉછેર એ શબ્દ પર તમે તમારી ચિંતનશક્તિને કેન્દ્રિત કરશો તો તમને એ શબ્દનો સાચો રણકો અવશ્ય સંભળાશે.

ગણિત ગમ્મત


101%
માત્ર અને માત્ર ગણિતિક દ્રષ્ટિબિંદુથી જોઈએ તો
100% એટલે શું?
100% થી વધુ આપવું એટલે શુ?
આપણે ઘણીવાર ઘણા લોકોને કહેતા સાંભળીએ છીએ કે તેઓ 100% પણ વધુ આપે છે.શું આ નવાઈ ભરેલું નથી?
આપણે ઘણી વખત એવી પરિસ્થિતિમાં મૂકાે છીએ કે જ્યારે કોઈ આપણને 100% થી પણ વધુ આપવા માંગતું હોય્..
101 મેળવવાનું કેવું લાગે?કહો તો.
જીવનમાં 100% બરાબર શું હોઈ શકે? કહો તો…
અહીં એક નાનકડું ગણિતિક સૂત્ર છે જે કદાચ આ પ્રશ્નોનાં જવાબ આપી શકે.
જો
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
ને આપણે નીચે પ્રમાણે લખીએ તો
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26.
તો
H-A-R-D-W-O-R- K (સખત પરિશ્રમ)=
8+1+18+4+23+15+18+11 = 98%
અને
K-N-O-W-L-E-D-G-E =(જ્ઞાન)
11+14+15+23+12+5+4+7+5 = 96%
પરંતુ
A-T-T-I-T-U-D-E =(વલણ)
1+20+20+9+20+21+4+5 = 100%
તો હવે વિચારી જુઓ તો
love of God will take you:
L-O-V-E – O-F – G-O-D(ઈશ્વરનો પ્રેમ) = શું થાય?
12+15+22+5+15+6+7+15+4 = 101%

આથી કોઈ પણ કહી શકે કે સખત પરિશ્રમ અને જ્ઞાન 100 % ની નજીક લઈ શકે છે.વલણ તમને 100 % એ પહોંચાડે છે પરંતુ ઈશ્વર્નો પ્રેમ જ તમને 100 % થી ય ઉપર પહોંચાડે છે.(ગણિતિક રીતે 101 %)

ડાયનોસોર પાર્ક


tyrannosaurus.jpgટાયરેનોસોરસ(અત્યાચારી ગોધા) iquanodon.jpg ઈગ્વાનોડોન(ઈગ્વાના દાંત rajasaurus-narmadensis.jpgરાજાસોરસ નર્મદેન્સીસ
megalosaurus1.jpg મેગાલોસોરસ(રાક્ષસી ગરોળી) triceratops.jpg ટ્રાયસીરેપ્ટીસ(ત્રિશૃંગી ચહેરો), brontosaurus.jpg બ્રોન્ટોસોરસ(ગર્જતી ગોધા), dinonix.jpg ડાયનોનીક્સ(ભયંકર નહોર), stegosaurus.jpg સ્ટેગોસોરસ alosaurus1.jpg એલોસોરસ
રીના અને મીનુ રમતા રમતા ઉમેશભાઈ પાસે આવ્યા અને બોલ્ય,” અમારી પરીક્ષા થોડા ક જ દિવસોમાં પતી જશે પછી અમને વેકેશનમાં કશું ક નવું જોવા લઈ જશો ને?”ઉમેશભાઈ બોલ્યા,”જરૂર,જરૂર.તમ્ને હું ડાયનોસોરપાર્ક જોવા લઈ જઈશ.”મીનુ અને રીના તો જોઈ જ રહ્યા.

Sunday, July 24, 2011

સફરજન


સફરજન


સફરજન
૧-સફરજનના ઝાડ વધુમાં વધુ ૩૦ફૂટ સુધી ઉંચા થાય છે.
૨-તેને આહારમાં લેવાથી તેમાં રહેલું પેક્ટીન નામનું રસાયણ શરીરમાં રહેલ કફને છૂટો પાડે છે.
૩-તે હ્રદય,મગજ,યકૃત,હોજરીને બળ આપે છે.
૪-એક સફરજનમાંથી ૭૫ કેલરી ઉર્જા મળે છે. વજન ઓછું કરવા પણ સફરજન ઉપયોગી છે.
૫-રોજ બે સફરજન ચાવીને ખાવાથી કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રહે છે.
૬-મગજ અને જ્ઞાનતંતુઓની નબળાઈ,મૂત્રપિંડની પથરી,એસીડીટી,માથાનો દુખાવો જેવા રોગોમાં રાહત મળે છે.
૭-સફરજનમાં ૮૫.૯ % પાણી,૦.૩ %પ્રોટીન, ૯.૫ % કાર્બોહાઈડ્રેટ ,ખનિજ તત્વો ૦.૪ % છે. ઉપરાંત તેમાં લોહ, ફોસ્ફરસ,કેલ્શિયમ, વિટામીન એ-બી-સી રહેલા છે.

દેડકાનું જીવનચક્ર



તમને ખબર છે દેડકાનાં અન્ય નામ કયા છે ??/
દેડકાને અંગ્રેજીમાં ફ્રોગ કહેવાય પણ તેનું શાસ્ત્રીય નામ રાના ટાઈગ્રીના (Rana tigrina) છે.
આજે આપણે જોઈએ કે દેડકાનો જન્મ કેવી રીતે થાય
તમને બધાને ખબર છે કે ઉનાળામાં કે શિયાળામાં દેડકા જમીન પર જોવા મળતા નથી પણ જેવો વરસાદ પડે કે તરત ઢગલાબંધ દેડકા જમીન પર કુદાકુદ કરતા જોવા મળે છે. આવું કેમ??????
દોસ્તો, દેડકો શીત રૂધિરવાળું Coldblooded animal પ્રાણી છે એટલે કે ઉનાળામાં જ્યારે સખત ગરમી પડતી હોય ત્યારે તેના શરીરનું તાપમાન વધી જાય છે જો આ વખતે કાંઈ ના કરે તો તેના શરીરનું લોહી ઉકળવા માંડે.અને શિયાળામાં સખત ઠંડી પડે ત્યારે તેના શરીરનું તાપમાન એકદમ નીચું જતું રહે છે.આ સમયે પણ જો તે કાંઈ ના કરે તો તેનું લોહી થીજી જ જાય. પણ ભગવાને દરેક પ્રાણીને બદલાતા વાતાવરણમાં ટકી રહેવા માટે કાંઈ ને કાંઈ બક્ષીસ આપી જ હોય છે. દેડકાને ખબર હોય છે કે જમીનની નીચે તેના પેટાળમાં બહાર કરતાં અલગ જ તાપમાન હોય છે. જમીનની ઉપર ગરમીએ હોય તો તેના પેટાળમાં ઠંડક હોય છે અને જો જમીનની ઉપર ઠંડક હોય તો તેનાં પેટાળમાં હુંફાળું વાતાવરણ હોય છે. એટલે તો દેડકા ઉનાળામાં જમીનની નીચે જતા રહે છે જેને તેમની ગ્રીષ્મનિદ્રા કે ગ્રીષ્મસમાધિ કહે છે. અને શિયાળામાં પણ તે જમીનની નીચે જતા રહે છે જેને તેમની શીતનિદ્દ્રા કે શીતસમાધિ કહે છે. આ સમયે એટલેકે ગ્રીષ્મસમાધિ દરમ્યાન અને શીતસમાધિ દરમ્યાન તેઓ કશું જ ખાતા નથી.ચૂપચાપ એક જ જગ્યાએ બેઠા રહે છે.
બોલો આને સમાધિ જ કહેવાય ને ???????
જ્યારે ચોમાસું આવે ત્યારે બધા જ દેડકા ડ્રાઉં…ડ્રાઉં અવાજ કરતા જમીનની ઉપર આવી જાય છે. આ સમયે તેઓ ખવાય તેટલો ખોરાક ખાય છે. અને સાથેસાથે પ્રજનન પણ કરે છે. તમે જો દેડકાના અવાજને બરાબર ધ્યાનથી સાંભળ્યો હોય તો કેટલાક અવાજ ખૂબ મોટા અને લાંબા હોય છે અને કેટલાક અવાજો ધીમા અને ટૂંકા હોય છે. જે મોટા અને લાંબા અવાજો હોય તે નર દેડકાના હોય અને ધીમા તથા નાના અવાજો હોય તે માદા(દેડકીના) હોય. નર આવા અવાજો કરીને માદાને આકર્ષે છે આ ઉપરાંત નરની ચામડીનો રંગ પણ ચળકતો પીળૉ બની જાય છે.જ્યારે માદાનો ઘેરો -મેલો લીલો રંગ હોય છે. નર કોઈ પણ જળાશયની નજીકમાં જ રહીને આવા અવાજો કરે છે. જે માદા પરિપક્વ થઈ હોય તે આ અવાજની દિશામાં જાય છે. પછી નર કૂદકો મારીને માદાની પીઠ પર ચઢી જાય છે અને પોતાના બે આગલા ઉપાંગો વડે માદાનું પેટ દબાવે છે. આ વખતે માદા નરને પોતાની પીઠ પર લઈને પાણીમાં તરે છે. ઘણી વખત આ સવારી 3થી4 દિવસ સુધી ચાલુ રહે છે.ત્યાર પછી માદા ઢગલાબંધ ઈંડા મૂકે છે અને નર તે ઈંડા પર પોતાના શુક્રકોષોનો સ્ત્રાવ કરે છે. આ પછે નર અને માદા બંને ચાલ્યા જાય છે.તે જોવા રોકાતા નથી કે ઈંડામાંથી બચ્ચા બન્યા કે નહીં…
હવે દેડકાના આ ફલિત થયેલા ઈંડામાંથી સૌ પ્રથન નાના ઈયળ જેવા નવજાત ટેડપોલ બને છે અને તે પાણીમાં ઉગેલી વનસ્પતિનાં પા6દડાને ચોંટી જાય છે. આ અવ્સ્થાને દેડકાની નવજાત ટેડપોલ અવસ્થા Newly born tadpole કહેવાય છે.ઠોડા દિવસો બાદ આ નવજાત ટેડપોલ થોડા લાંબા થાય છે અને નાનકડી માછલી જેવા લાગે છે તેને નાની પૂંછડી હોય છે અને માથા જેવા ભાગ પર ત્રણ જોડ પીંછા જેવી બાહ્યઝાલરો હોય છે. આ અવસ્થાને દેડકાની બાહ્યઝાલર અવસ્થાExternal gill stage કહેવાય છે.આ પછી બાહ્યઝાલરો ખરી પડે છે અને 4 જોડ અંત:ઝાલરો વિકસે છે. આ વખતે ટેડપોલની લંબાઈ વધે છે. આ અવસ્થાને દેડકાની અતઝાલર અવસ્થા Internal gill stage કહેવાય છે. ત્યાર બાદ તેના ધડના પાછળના ભાગમાંથી બે લાંબા પશ્ચઉપાંગો ફૂટે છે જેને દેડકાની પશ્ચપાદ અવસ્થા Hind limb stage કહેવાય છે. ત્યારબાદ બે આગલા તૂંકા અગ્ઉપાંગો ફૂટે છે. જેને દેડકાની ચતુષ્પાદ અવસ્થા કહેવાય છે. જેમાં ચાર ઉપાંગો અને પૂંછડી હોય છે. અત્યાર સુધીની બધી જ અવસ્થાઓ માત્ર પાણીમાં જ જોવા Tetrapoda stage મળે છે. હવે દેડકો ઉપવાસી બને છે.કાંઈ જ ખાતો નથી. ધીમેધીમે તેની પૂંછડી નાની થતી જાય છે અને છેવટે તે નાશ પામે છે. આ અવસ્થાને દેડકાની પૂચ્છવિલોપન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાણી ઉપરાંત જમીન પર પણ જોવા મળે છે. અને છેવટે પૂર્ણ દેડકો Adult frog બને છે.