નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત, સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણ અંકુર બનીને પાગયાઁ હતા.
ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.
આપણા દેશનું એક રાજ્ય. નામ એનું ઉત્તરાખંડ. આ રાજ્યના એક નાનકડા ગામમાં પ્રિયાંશુ નામનો બાળક રહે. દસ વરસનો પ્રિયાંશુ છઠ્ઠા ધોરણમાં ભણે. તેને એક મોટી બહેન. નામ એનું પ્રિયંકા. તે આઠમા ધોરણમાં ભણે.બંને ભાઇ-બહેન ભણવામાં મહેનતુ, અને હોશિયાર. પળેપળનો ઉપયોગ કરીને ખંતથી ભણે. સૂર્યોદય પહેલાં ઊઠી જાય. નિત્યકર્મથી ઝટપટ પરવારીને ઘરના આંગણામાં આવેલા ઝાડના ઓટલા પર ભણવા બેસી જાય. શાળામાં પણ શિક્ષક બંને ભાઇ-બહેનના વખાણ કરે. ઘરથી નિશાળ એકાદ કિલોમીટર દૂર. ઘડિયાળના સમય પ્રમાણે જ ઘરેથી નીકળે અને સમયસર નિશાળે પહોંચી જાય.
દરરોજની જેમ તે દિવસે પણ પ્રિયંકા અને પ્રિયાંશુ ખભે દફતર ભરાવી, મોજમસ્તીથી વાતો કરતાં કરતાં શાળાએ જઇ રહ્યા હતા. એવામાં નિર્જન રસ્તો આવ્યો. ત્યાં એક ચિત્તો કોઇ શિકારની રાહ જોતો લપાઇને બેઠો હતો. એણે આ બે બાળકોને આવતાં જોયા. ચિત્તાએ ચૂપચાપ પાછળથી આવી પ્રિયંકા ઉપર હુમલો કર્યો. પ્રિયંકાના કાન પરે ચિત્તાનો પંજો વાગ્યો. પ્રિયાંશુ ચિત્તાના ઓચિંતા હુમલાથી હેબતાઇ ગયો, પણ પળવારમાં સ્વસ્થ બની ગયો. પોતાની બહેનને બચાવવા તે પ્રિયંકા પર વાંકો વળી ગયો. બહેનને બચાવવા જતા ચિત્તાનો પંજો પ્રિયાંશુના કપાળ પર વાગ્યો.
નાનકડો પ્રિયાંશુ નીડર હતો. તે ક્યારેક પિતાની સાથે વન-વગડામાં ફરવા જતો હતો. આથી તેનામાં હિંમત સાહસ, નિર્ભયતા અને ચાલાકીના ગુણો અંકુર બનીને પાંગયાઁ હતા. આ ગુણો આજે એને મદદરૂપ થવાના હતા. ચિત્તાનો સામનો કરવા માટે હથિયાર તરીકે એની પાસે ફક્ત સ્કૂલબેગ હતી. પ્રિયાંશુએ એને શસ્ત્ર બનાવ્યું. જરા પણ ડર્યા કે ગભરાયા વિના તે પોતાની સ્કૂલબેગથી ચિત્તાને મારવા લાગ્યો. ચિત્તાના મોં પર સ્કૂલબેગની એક જોરદાર ઝાપટ વાગી. અચાનક પ્રહાર થતાં ચિત્તો ઢીલો પડી ગયો.
પ્રિયાંશુ ચિત્તાનો સામનો કરી રહ્યો હતો તે સમયે ત્યાંથી એક લશ્કરી જીપ પસાર થઇ. જીપમાં લશ્કરી જવાનો બેઠા હતા. તેમણે જીપ ઊભી રાખી. પળનોયે વિલંબ કર્યા વિના તેઓ ત્યાં પહોંચી ગયા. દૂરથી જ ચિત્તાને આટલા નાનકડા બાળક સાથે બાથ ભિડતો જોઇને આજુબાજુના ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજુરો પણ ત્યાં દોડી આવ્યા. ત્યાં ખૂબ ધાંધલ થઇ. ચિત્તાએ જોયું કે હવે અહીં મારી દાળ ગળે તેમ નથી. આથી તે ત્યાંથી પલાયન થઇ ગયો.
લશ્કરના જવાનોએ નાનકડા પ્રિયાંશુને પીઠ થાબડી ધન્યવાદ આપ્યા. તેઓ ઘવાયેલા ભાઇ-બહેનને જીપમાં બેસાડી નજીકની હોસ્પિટલમાં લઇ ગયા અને જરૂરી સારવાર કરી ઘરે મૂકી આવ્યા.બીજા દિવસે દરેક છાપામાં પ્રિયાંશુએ બહાદુરીપૂર્વક ચિત્તાનો સામનો કરી બહેનને બચાવી તે ઘટના છપાઇ. લોકોએ આ ઘટના વાંચીને પ્રિયાંશુને મનોમન ધન્યવાદ આપ્યા. તેની શાળામાં બહાદુરી માટે એનું સન્માન થયું.
ભારત સરકારના ‘ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર’ તરફથી પ્રિયાંશુને ‘બાલવીર રાષ્ટ્રીય પુરસ્કાર’ આપવાનું નક્કી થયું. ૨૬મી જાન્યુઆરીએ પ્રિયાંશુને દિલ્હી બોલાવી રાષ્ટ્રપતિના હાથે બાલવીર પુરસ્કાર આપવામાં આવ્યો. પુરસ્કાર ઉપરાંત તેને સન્માનપત્ર તથા ભેટ પણ આપી. પ્રિયાંશુને શણગારેલા હાથી પર બેસાડી પરેડમાં ફેરવ્યો. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે પ્રિયાંશુની બહાદુરીના ભરપૂર વખાણ કરતાં કહ્યું, ‘આવા સાહસિક અને હિંમતવાળા બાળકો જ આપણા દેશનું ગૌરવ છે.’પ્રિયાંશુએ પોતાની બહેનની જિંદગી બચાવવા જે હિંમત અને બહાદુરી બતાવી તે બદલ તેને લાખ લાખ ધન્યવાદ!!!