Sunday, July 24, 2011

ટેડપોલ બોલ રમત


ટેડપોલ બોલ રમત
આ ર્રમતમાં એક વર્તુળ દોરો અને તેને એક બાજુથી કાપી ત્યાં લાંબી બે લીટીઓ દોરો. આમ તેનો દેખાવ ટેડપોલ જેવો થાય છે અને બે ,ખૂબ નરમ ફૂટબોલ કે અન્ય મોટા બોલનો ઉપયોગ કરો જેથી નાના બાળકોને વાગે નહીં.
જેટલા બાળકો હોય તેને બે ટીમમાં ગોઠવી દો જે ને આપણે A ટીમ અને B ટીમ એમ નામ આપીશું.
હવે A ટીમનાં બાળકો વર્તુળની અંદર છૂટાછવાયા ગોઠવાશે.તેઓ એક બોલનો ઉપયોગ કરશે અને B ટીમ બહાર, બે લીટીની વચ્ચે ગોઠવાશે અને તે બીજા બોલનો ઉપયોગ કરશે. A ટીમનાં બાળકો બોલ એકબીજા તરફ નાંખશે અને કેચ કરશે. જેનાથી કેચ છૂટી જાય તે આઉટ ગણાશે. આ બાળકો કેટલા કેચ કરે છે તે નોંધો.
B ટીમનાં બાળકો એકપછી એક હાથમાં બોલ લઇને આખા વર્તુળ ફરતે દોડ લગાવશે.એક બાળક દોડ લગાવીને આવીને બોલ બીજા બાળક્ને આપશે. આમ બધાજ બાળકો વર્તુળને ફરતે દોડી રહે (રીલે રેસ)ત્યાં સુધીમાં એ ટીમનાં બાળકો કેટલા કેચ કરે છે તે નોંધો.
પછી બી ટીમ અંદર જશે અને એ ટીમ બહાર આવશે.
આખી જ રમતનું પુનરાવર્તન થશે.
જે ટીમ સૌથી વધુ કેચ કરી શકે તે વિજેતા ટીમ જાહેર થશે…

આ સઘળાં ફૂલોને કહી દો



આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !
- કૃષ્ણ દવે

સવિશેષ પરિચય:


ગાંધી મોહનદાસ કરમચંદ(૨-૧૦-૧૮૬૯, ૩૦-૧-૧૯૪૮) : આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, અનુવાદક. જન્મ પોરબંદરમાં. ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩ માં આફ્રિકા ગયા. ૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦ માં તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦ માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, પણ ૧૯૨૪ માં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફથી એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી.

ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને પણ અનુપ્રાણિત કરેલાં છે. એમના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યુગને ‘ગાંધીયુગ’ નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો પુરસ્કાર થયો છે.

એમનું સાહિત્ય હેતુલક્ષિતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે. એમનાં લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં. એમાં અસાધારણ માનવભાવ અને ઉગ્ર આચારનો સંસ્કાર છે. અનેક સામયિકો દ્વારા તેમણે સામાજિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો. સત્ય અને અહિંસા એમના જીવનનાં તેમ એમના સાહિત્યનાં ચાલકબળ રહ્યાં છે. એમની મિતાક્ષરતા નોંધપાત્ર છે. પ્રજાના હૃદય સુધી પહોંચનારી એમની ગદ્યશૈલી સરલ પ્રૌઢિનો અને સ્પષ્ટવાહકતાનો અંગીકાર કરીને ચાલે છે. એમણે ગુજરાતી ગદ્યને નવું ચેતન, નવી દિશા આપ્યાં છે.

એમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં જન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે. નિર્દંભ રજૂઆત, નિભીંક કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની સંઘર્ષકથા વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તો દુષ્કર છે, એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા પ્રસંગોનાં નિરુપણોમાં આથી આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે. અહીં અનલંકૃત ભાષાનો વાગ્મિતા વગરનો વ્યાપાર એની સાદગીના આકર્ષણે સજીવ છે. ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નોખી છે.

‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. એમનું જીવનઘડતર, સત્યાગ્રહો જડેલો પ્રયોગ, રંગદ્રેષ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ-બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ કેવી રીતે ઘડયો એનું અહીં તટસ્થ નિરુપણ છે.

‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુક્ત કરી, સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં એક દેશભક્ત નાયકે દીધેલો ચિતાર છે. લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે. પુસ્તક વાચક અને લેખકના કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે.

‘મંગલપ્રભાત’ (૧૯૩૦)માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં એનો સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં સાદગીયુક્ત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.

‘સત્યાગ્રહનો ઈતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઈતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય, પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શારીરિકશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી, સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિનો મૂલ્યાંકનઆલેખ આપવાનો પણ પ્રયત્ન છે.

આ ઉપરાંત ‘મારો જેલનો અનુભવ’ (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ’ (૧૯૨૫), ‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭), ‘ગીતાબોધ’ (૧૯૩૦), ‘અનાસકિતયોગ’ (૧૯૩૦), ‘આરોગ્યની ચાવી’ (૧૯૩૨), ‘ગોસેવા’ (૧૯૩૪), ‘વર્ણવ્યવસ્થા’ (૧૯૩૪), ‘ધર્મમંથન’ (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭), ‘ખરી કેળવણી’ (૧૯૩૮), ‘કેળવણીનો કોયડો’ (૧૯૩૮), ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ (ચો.આ.૧૯૩૮) વગેરે એમના અનેક પુસ્તકો છે.

એમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો પ્રયત્ન ચાલુ છે. ૧૯૬૮થી આજ સુધીમાં ૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે. આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ પરિચય સમાયેલો છે. ‘પાયાની કેળવણી’ (૧૯૫૦), ‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશનો થયાં છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા


સત્યના પ્રયોગો અથવા આત્મકથા-ભાગ.૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા. મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમિયાન ‘નવજીવન’ માં હપતે હપતે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત હોવા છતાં સત્યના પ્રયોગો જ બહાર તરી આવ્યા છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે; તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે. એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી, પરંતુ સિદ્ધાંતો પર રચાયેલાં કાર્યોનો ઈતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યનો. લેખકને મન સત્ય સર્વોપરી છે. એમાં જ સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય બીજું કઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પણ વાત છુપાવી નથી અને પોતાના દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિવર્યાજ સરલતાને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યસૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું વિશ્લેષણ કલેવર, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરઃસર વિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દ્રષ્ટિ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ-આ બધાંથી શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે સ્થાન છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા


દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ (ત્રીજી સુધારેલી આવૃત્તિ, બંને ભાગ એકત્રિત, ૧૯૫૦) : પોતાની આત્મકથાની જેમ ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લેખેલો આ ગ્રંથ સાહિત્યદ્રષ્ટિએ તેમજ ઈતિહાસની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. ગાંધીજીના પ્રારંભિક જીવનનો ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગેની મથામણ એમાં આલેખાયેલાં છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે. આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારમાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલા પુરુષાર્થનું એમાં નિરૂપણ છે. ગાંધીજીની મક્કમતા, સત્યાગ્રહનું એમનું અનેરું શસ્ત્ર, સત્ય-અહિંસા વગેરેનાં પરિણામો—આ બધું અહીં મોજૂદ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા


મંગળપ્રભાત (૧૯૧૧) : મોહનદાસ કરમસદ ગાંધીએ યરવડા જેલમાંથી ૧૯૩૦માં દર અઠવાડિયે આશ્રમવાસીઓ માટે મોકલેલા પ્રવચનલેખોનો સંગ્રહ. આ લેખોમાં એમણે સાબરમતી આશ્રમવાસીઓએ પાળવા માટેનાં અગિયાર વ્રતોનું સ્વરૂપ સમજાયું છે. આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રતિષ્ઠા પામેલાં વ્રત છે; તો આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી એ અન્ય છ એમણે પોતાના અનુભવ તથા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે. આ વ્રતોના પાલન પાછળ સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખોનું મુખ્ય લક્ષ્ય છે.
-જયંત ગાડીત

એકાગ્રતા વધારવાની ઉત્તમ રમત




નાના બાળકો સાથે અમારે થોડો સમય પસાર કરવાનો હતો. બાળકો એટલે નરી ચંચળતા….
બાળકો જરા પણ અવાજ કે ધમાલ ન કરે અને છતાં પણ તેમને સારી રીતે સાચવી શકાય તે માટે એક તરકીબ વિચારી….
નીચે ચિત્રમાં બતાવ્યું છે તે મુજબ એક એક વર્તુળ, ચોરસ અને ત્રિકોણ દોરી આપ્યા હવે તેની અંદર અંદર પેન્સીલથી લાઇન દોરતા જાઓ…..હાથ ઉપાડવાનો નહીં અને કેટલી લાઇન અંદર દોરી શકો છો તે જોઇએ….વળી જો લાઇન પાસેની લાઇને અડકી જાય તો આઉટ ગણાય…..ખૂબ જ મઝા આવી. અમને અને બાળકોને પણ ….સંપૂર્ણ શાંતિ અને ભરપૂર એકાગ્રતા….પહેલાં તો દૂર દૂર લાઇન દોરી પછી ખ્યાલ આવ્યો કે આમ તો ખૂબ ઓછી લાઇન દોરાય એટલે પછી શરૂ થઇ ખરાખરીની રમત….માત્ર બાળકો માટે જ નહીં પણ મોટાઓ માટે પણ આ એક ઉત્તમ રમત છે….ચાલો તો શરૂ કરી દો આ રમત અને જુઓ તો ખરા તમે કેટલી લાઇન અંદર અંદર દોરી શકો છો???? હા એ વાતની હું ખાતરી આપું છું કે જો આવી રમત વારંવાર રમવામાં આવે તો એકાગ્રતા જરૂર વધે જ…
હા, જોજો હોં વર્તુળ દોરો તો તેનો વ્યાસ કે ત્રિજ્યા, ચોરસની દરેક બાજુની લંબાઇ અને ત્રિકોણની પણ દરેક બાજુની લંબાઇ સમાન જ હિય જેમ કે વ્ર્તુળનો વ્યાસ ૪ ઇંચ, ચોરસની દરેક બાજુનું માપ ૪ ઇંચ અને ત્રિકોણની દરેક બાજુનું માપ પણ ૪ ઇંચ,,,,,,,

રેલગાડી આવી….. શબ્દોની ગમ્મત લાવી…


રેલગાડી આવી….. શબ્દોની ગમ્મત લાવી…

દોસ્તો,
ટ્રેનમાં બેસવું ગમે ને?કેવી મજા આવી જાય નહીં?
અહીં અક્ષરોની ટ્રેન આવી છે..એમા યે સફર કરવી ગમશે ને?મજા આવશે..અને આવી ટ્રેન….રેલગાડી તમે જાતે યે બનાવી શકો હો!! બનાવશો ને?
મૂળાક્ષરોની રેલગાડી……
કીર્તિકાકીએ કનુકાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કર.
• પાલીતાણાના પંકજભાઇ પટેલે અને પાલનપુરના પિયુષભાઇ પ્રેમાણીએ પેટલાદમાં પાંચ પપ્પી પાળ્યા.
• ગોધરાના ગિરિશભાઇ એ ગાન્ધીનગરના ગીતાબેનને ગુરુવારે ગમતથી ગણિત ગણાવ્યું.
• ભાવનગરના ભરતભાઇ એ ભાણવડ ના ભાવનાબેનને ભાવથી ભૂગોળ અને ભૂમિતિ ભણાવ્યા.
• ઘોઘાના ઘંનશ્યામભાઇએ ઘેલીબેન ને ઘેર ઘંટ ઘડાવ્યો
ચોટીલાના ચંદુભાઇએ ચુનીભાઇને ચેવડા સાથે ચાર ચણા ચખાડયા.

ચાણક્ય નીતિ – દશમો અધ્યાય


દશમો અધ્યાય
૧૬ – જેની પાસે બુદ્ધિના રૂપમાં ધન છે તે ખરો બળવાળો છે . બુદ્ધિ વગરનું બળ પણ નકામું છે , કેમ કે બુદ્ધિ હોય તો જ બળ વાપરી શકાય છે . બુદ્ધિની મદદથી જ એક સસલાએ સિંહ કૂવામાં પાડી મારી નાંખ્યો હતો .
૧૭ – જો હરિને વિશ્વંભર માનીએ તો જીવનમાં ચિંતા શેની ? હરિ જ વિશ્વનો પાલનહાર છે . જો તેવું ન હોય તો બાળકના જન્મ થતાં જ માતાના સ્તનમાં દૂધ કેવી રીતે આવે ? આમ વિચારી હે લક્ષ્મીપતિ ! હે યદુપતિ ! હું તમારા ચરણોનું નિરંતર ધ્યાન ધરીને જીવન પાર કરું છું .
૧૮ – જેમ સ્વર્ગમાં દેવતાઓ પાસે અમૃત હોવા છતાં તે અપ્સરાઓના હોઠનું રસપાન કરવા માંગે છે , તેવી રીતે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોવા છતાં પણ મને અન્ય ભાષા શીખવી પસંદ છે .
૧૯ – સામાન્ય અનાજ કરતાં દસ ગણી શક્તિ લોટમાં હોય છે . લોટ કરતાં દસ ગણું પોષણ દૂધમાં હોય છે. દૂધ કરતાં આઠ ગણું પોષણ માંસમાંથી મળે છે અને માંસ કરતાં પણ દસ ગણું પોષણ ઘીમાંથી મળે છે .
૨૦ – શાક ખાવાથી રોગ , દૂધ ખાવાથી શરીર , ઘી ખાવાથી વીર્ય અને માંસના આહારથી માંસ વધે છે .

ભણે નરસૈયો – જળકમળ (રસાસ્વાદ)


મિત્રો, નમસ્કાર.
આ શ્રેણીમાં આગળ આપણે નરસિંહ મહેતા અને તેની રચનાઓની થોડી વાતો તથા નરસિંહના સમયના ઈતિહાસ કાળનું થોડું દર્શન કરેલું. આજે આપણે નરસિંહની એક બહુ પ્રખ્યાત રચના ’જળકમળ છાંડી જાને’ નો એક અલગ જ દ્ગષ્ટિકોણથી રસાસ્વાદ માણીશું. આ પ્રયાસ કરવાની હિંમત આવવાના પણ બે-ચાર કારણો છે. સૌ પ્રથમ તો, આગળના લેખમાં ઉલ્લેખેલ તે નરસિંહ મહેતાના જીવન કવનના પ્રખર અભ્યાસુ શ્રી જવાહર બક્ષીજીના જુનાગઢ ખાતેના એક કાર્યક્રમમાં, તેઓના શ્રીમુખેથી માણેલો આ કૃતિનો રસાસ્વાદ અને તે ઉપરાંત મિત્ર જેઠાભાઇ અને એક બે જ્ઞાની મિત્રો સાથે થયેલી આ કૃતિ બાબતની ચર્ચામાંથી મળેલી નવી દ્ગષ્ટિ પણ ખરી.
તો અહીં આપણે આ બધા જ દૃષ્ટિકોણને એકત્ર કરી અને આ સુંદર મજાની કૃતિને માણવાનો એક નાનકડો પ્રયાસ કરીશું, ખાસ તો આપણને એ જાણવા મળશે કે નરસિંહ જેવા જ્ઞાની ભક્ત કવિએ તેની એક એક રચનામાં કેટકેટલું જ્ઞાન ઠાંસીઠાંસીને ભર્યું છે. કારણ કોઇ નાનો એવો કવિ પણ અકારણ તો કશું લખવાનો નથી તો આવા સમર્થ કવિએ સાવ અમસ્તું તો આ રચનાઓ નહીં જ કરી હોય !
પ્રથમ કડીથી જ શરૂઆત કરીએ તો; ’જળકમળ છાંડી જાને બાળા’, સામાન્ય અર્થ કે હાલમાં બહુપ્રચલીત એવી વાર્તારૂપી અર્થ તો સૌને જાણમાં જ છે. કૃષ્ણ બાળસખાઓ સાથે દડે રમતા હતા અને દડો યમુનાના ઊંડા ધરામાં પડી ગયો જ્યાં એક ભયંકર કાળીનાગ રહેતો હતો. આ નાગની પત્નીઓ એવી નાગણો કૃષ્ણને પાછો વળવા સમજાવે છે અને અંતે કૃષ્ણ કાળીનાગનું દમન કરી દડો લઇ બહાર આવે છે. બસ આટલી અમથી વાત ?! માફ કરજો પણ આ કથા મને બહુ સરળ લાગે છે ! કારણ આ ઘટના ખરે જ બની, ના બની કરતાંએ મોટી વાત એ છે કે એનો સમયગાળો અને નરસિંહના સમયગાળા વચ્ચે હજારો વર્ષનું અંતર છે, અને અગાઉ કહેલું તેમ નરસિંહ કોઇ ઇતિહાસકાર તો છે નહીં ! પછી ઘણા લોકો પ્રશ્નો કરે કે આ બધી માત્ર વાર્તાઓ હોય ! કદાચ !! પણ નરસિંહ એક કવિ છે, ચિંતક છે, જ્ઞાની છે, સમાજ સુધારક છે, ભક્ત છે, આ ધ્યાને રાખીને બે ઘડી વિચારીએ તો સમજાય કે તેની કૃતિઓમાં માત્ર વાર્તા તો નહીં જ હોય, કશોક ગહન અર્થ પણ જરૂર હશે જ. આ પ્રથમ કડીએથી જ વિચારવાનું શરૂ કરીએ તો; જો કૃષ્ણ ઊંડા ધરામાં દડો લેવા પ્રવેશ્યા તે ઘટના જ દર્શાવવી હોય તો કવિએ શબ્દ વાપરવો જોઇએ “જળગહન” જ્યારે અહીં વાત છે “જળકમળ”ની ! બસ અહીંથી મગજમાં વિચારોની સ્વિચ દબાય છે જે અંત સુધી વિચારયાત્રાને થંભવા દેતી નથી !

ઝેન્થિપી – ’દર્શક’ની નજરે (સોક્રેટિસ)


મસ્કાર. આજે આપણે વાત કરીશું ઇતિહાસનાં એક બહુ વગોવાયેલા પાત્ર “ઝેન્થિપી” (Xanthippe (Greek: Ξανθίππη))ની. તે સોક્રેટિસની પત્નિ અને ત્રણ સંતાનોની માતા હતી, તેમના અને સોક્રેટિસના ત્રણ સંતાનોના નામ આ પ્રમાણે છે; લેમ્પ્રોકલ્સ (Lamprocles), સોફ્રોનિસ્કસ (Sophroniscus) અને મેનેક્‌ઝેનસ (Menexenus). પ્લેટોના લખાણોને આધારભુત ગણી અને કહી શકાય કે તે સોક્રેટિસ કરતા લગભગ ૪૦ વર્ષ નાની હતી. ’ઝેન્થિપી’ શબ્દનો અર્થ, ગ્રીક ભાષા મુજબ જોઇએ તો ’ઝેન્થોસ’ = સોનેરી વાળ અને ’હિપ્પોસ’ = અશ્વ અથવા ઘોડો,ઘોડી. આમ ’ઝેન્થિપી’ શબ્દનો અર્થ ’સોનેરી વાળ વાળી ઘોડી’ તેવો થાય છે, એ સમયમાં ગ્રીસમાં ઘોડો એ સન્માનનિય પ્રાણી ગણાતું, અને નામની શાથે ’હિપ્પોસ’, એટલેકે ઘોડા જેવું, શબ્દ લગાવવો તે સન્માન ગણાતું હતું. (ભારતીય સભ્યતામાં જેમ ’સિંહ’ શબ્દ લગાવવાનું સન્માનજનક ગણાય છે તેવું જ) સોક્રેટિસના શિષ્યો દ્વારા વિવિધ લખાણોમાં તેમના વિશે લખાયેલું મળે છે, તે કકર્શા અને દલીલબાજીમાં માહેર સ્ત્રી તો હતી જ, પરંતુ તે માટે ત્યારના સંજોગો પણ જવાબદાર હતા. વધુ જાણકારી માટે આપ વિકિપીડિયા પર જોઇ શકો છો. (લેખના અંતે બધીજ લિંક આપેલી છે.)



અહીં આપણે માટે, માન.શ્રી મનુભાઇ પંચોળી ’દર્શક’ દ્વારા રચાયેલી કથા ’સોક્રેટિસ’ ના આધારે, સોક્રેટિસની અર્ધાંગ્નિ ઝેન્થિપીના પાત્રનું અવલોકન ઘણું જ રસપ્રદ બની રહેશે. સામાન્ય રીતે એક કર્કશા અને ઝઘડાળુ સ્ત્રી તરીકે પ્રસિદ્ધી પામેલી આ સ્ત્રીના ગુણો અને ભાવનાઓનું વર્ણન શ્રી દર્શકે બહુજ ન્યાયપુર્ણ અને તેના વિશેની સામાન્ય છાપથી ઉલ્ટું જ કરેલ છે. એ પાછળ કંઇક તો તથ્ય હશેજ ને ! જે સામાન્યલોકો ન પામી શકે, ફક્ત શ્રી દર્શક જેવા ઉમદા વિચારક જ પામી શકે. તો ચાલો આ કથાના વિવિધ સંવાદો દ્વારા આપણે પણ બહુવગોવાયેલી આ ઝેન્થિપીનું એક નવા જ સ્વરૂપે દર્શન કરીએ. આ શાથે સંદર્ભ માટે સંવાદની આગળપાછળની ઘટનાઓ પર થોડી સમજુતી હું મારી અલ્પમતિ મુજબ ઉમેરીશ. કશી શરતચૂક જણાય તો ધ્યાન દોરવા વિનંતી.


હાસ્યલેખ!! અંધશ્રદ્ધા


મિત્રો, આજે એક ચેપી રોગ લાગુ પડ્યો ! જાણકારોનું કહેવું એમ છે કે કોઇક કોઇક ઓટલાઓ પર આંટા મારવાથી આવા ચેપની અસર થાય છે ! મારા એક મિત્ર ભુપેન્દ્રસિંહજીને પણ ક્યારેક કુરૂક્ષેત્રના મેદાનમાં લડતા લડતા અચાનક આવી ચેપી અસર થાય છે, અતુલભાઇને પણ હમણાં જ્ઞાનની શાથે શાથે આવો હુમલો આવેલો ! અન્ય ઘણા મિત્રો છે જેમને પણ ક્યારેક આવા હુમલાઓ આવતા રહે છે. આને જાણકારો ’હાસ્યરસ’ના હુમલા કહે છે ! (જો કે અમારે જુનાગઢમાં હમણાં કેરીના રસ પર વધુ ધ્યાન અપાય છે !)
મારે તો શાથે શાથે, લક્ષણોના આધારે દાક્તરોના જણાવ્યાનુસાર, અંધશ્રદ્ધાના વિચારોનો ચેપ પણ લાગ્યો હોય તેવું જણાયું છે. કહે છે કે ગોવીંદભાઇ અને અરવિંદભાઇ જેવા મિત્રોની શાથે બેસવાથી આવું થયાની સંભાવના છે. વાત એમ છે કે વર્તમાનપત્રોમાં વાંચવા જેવું બધું વંચાઇ ગયા પછી ક્યારેક નવરાશ વધતી હોય તો (પૈસા વસુલ કરવા જ સ્તો !) ટચુકડી જા.ખ. પર પણ નજર ફેરવાઇ જાય છે. તેમાં જ્યોતિષીઓને લગતી જા.ખ. જોતાં અમુક મુદ્દાઓ ધ્યાને આવ્યા. તેમાં અમુક તો
ભયાનક પ્રકારના નામ વાળા નિષ્ણાતો જણાયા, લગભગ તમામ નિષ્ણાતોએ ૧૦૦ % કામની ગેરંટી આપેલ છે. અમુક વિરલાઓ ૧૦૧ % કે ૧૫૧ % કામ થવાની ખાત્રી પણ આપે છે, અને એકાદ મહાપુરૂષતો એવા પણ મળ્યા જેમણે ૧૦૦૧ % ગેરંટી આપી દીધી ! હવે વિચારો જરા, આપ સંતાનસુખ માટે આવા નિષ્ણાત પાસે પહોંચી ગયા અને કદાચ એમના દાવાઓ સાચા ઠર્યા તો !! તમે તો ગયા ને કામથી ! તમે એક સંતાન માટે સંપર્ક કરો અને ૧૦૦૧ %નાં ધોરણે તમને ૧૦ સંતાનની પ્રાપ્તિ થઇ જાય ! આવુંજ પત્નિ કે પતિ ઇચ્છુક શાથે પણ બની શકે ! આ મોંઘવારીનાં જમાનામાં દશ દશનાં પેટ કેમ કરીને ભરશો બાપલા ??
આ લોકોના કાર્યપ્રાવિણ્યની રેન્જ પણ ખરેજ વિચારવા લાયક હોય છે. વ્યાપાર, લગ્ન-છુટાછેડા, પ્રેમલગ્ન-સૌતનદુ:ખ, કોર્ટકેસ, લક્ષ્મિપ્રાપ્તિ, મુઠચોટ, વશિકરણ, વ્યસનમુક્તિ, શત્રુમુક્તિ, સાસુ-વહુ અને ગૃહકંકાસ, વિદેશયાત્રા, લોટરી-શેરસટ્ટો અને કોઇ કોઇ નિષ્ણાતોએતો સટ્ટાનાં નંબર શુધ્ધા, ખાત્રીબંધ મેળવવા માટે ચોખ્ખું લખ્યું છે !! (આ સટ્ટાના નંબર એ એક જાતનો જુગાર-અબુધ લોકોની જાણ માટે !)હવે વિચારો, કામ થવાની તો આપણને ખાત્રી જ છે (અમસ્તી કંઇ અંધશ્રદ્ધા કહેવાય !) એકજ નિષ્ણાત પાસે સાસુ અને વહુ બન્ને પહોંચી જાય તો મહારાજશ્રી બન્નેનું કામ કઇ રીતે કરી આપશે? પ્રેમમાં સફળતા અને સૌતનદુ:ખ માં પણ આવોજ લોચો થાય તેમ છે. પતિ મહાશય પોતાની પ્રેમીકાને વશ કરવા માટે અને પત્નિ પોતાના પતિને પ્રેમીકાથી છોડાવવા માટે, એક જ મહારાજ પાસે પહોંચી જાય તો મહારાજે શું કરવું?

અને આ લોકોની કાર્ય સફળતાની સમયમર્યાદા પર ધ્યાન આપો તો એમ જ થાય કે ખરેખર તો સરકારે આમાંથી કંઇક ધડો લેવો જોઇએ !! ગમે તેવું કામ ફક્ત ૭૨ કલાકમાં, ક્યાંક તો ફક્ત ૨૪ કલાકમાં, હજુ વધારે લાગે છે? તો લો અમુક કર્મઠ મહાનુભાવો તો આપને ફક્ત ૧૫ મીનીટમાંજ કોઇપણ પ્રશ્નનો નિકાલ લાવી દેવાની ગેરંટી આપશે !(અને તે પણ પાછી ૧૦૦૧ %) ભઇલાઓ, આ તો તમે અમને બ્લોગરોને માટે ઘણા ઉપયોગી ગણાઓ ! પંદર પંદર મીનીટમાં એક એક નવી પોસ્ટ તૈયાર કરી દો એટલે ભયો ભયો !! અમારે આ જ્યાંત્યાં ડાફોળીયા મારવા મટે ! અને વળી આ કોપી-પેસ્ટનાં આરોપો માથે ચઢતાં બંધ થાય તો વિનયભાઇ જેવા મિત્રોને જવાબો દેવાની ચિંતા પણ ટળે !! :-)
અમુક વળી લખે છે ’મહીલાઓ નિસંકોચ મળી શકે છે’! લ્યો ! જે જગતજનનીઓ છે, જે સ્વયં શક્તિ છે, તેનાં દુ:ખ આ “જાતે જન્મી પણ ન શકનારાઓ” દુર કરશે ! (આ “-” માં આપેલ શબ્દ સમુહ માટે આપણે ગુજરાતીમાં એક શબ્દ વપરાય છે, યાદ કરો અને મનમાં ઉચ્ચારી લો !!) માતાઓ, જરા વિચારો, તમારા પડછાયાને પણ સ્પર્શવાની જેનામાં લાયકાત નથી તેવાઓ, તમારી અંધશ્રદ્ધાને કારણે, તમને સંતાપી જાય છે.
આ ક્ષેત્રનાં જાણકાર એવા સજ્જનોનું કહેવું છે કે, જ્યોતિષ એ એક પ્રાચિનશાસ્ત્ર છે. જેમાં ખગોળવિદ્યા, સંભાવનાનું ગણિત અને મનોવિજ્ઞાનનો સુમેળ કરાયેલો છે. આ એક પ્રાચિનકલા પણ છે. અને તેના હકારાત્મક ઉપયોગ દ્વારા કદાચ ઘણા લોકોને લાભ થતો પણ હશે. જો કે આમાં વધુ ફાળો તો સમયનો જ હોય છે. કહે છે ને કે, પરિશ્થિતિઓ હંમેશાં એક સમાન નથી રહેતી, બદલાય છે (અને વધુ ખરાબ થાય છે !)
મને પાકું યાદ હોય તો સિકંદરની એક કથા છે, જેમાં કિશોર વયનાં સિકંદરને એક જ્યોતિષે જણાવ્યું કે તારી હથેળીમાં જે આ ચોક્કસ રેખા છે તે થોડી વધુ લાંબી હોત તો તારો વિશ્વવિજેતા બનવાનો યોગ હતો. આ સાંભળી અને સિકંદરે તુરંત છુરા વડે હથેળી પર દર્શાવાયેલી રેખાને છેક સુધી ખેંચી કાઢી, અને તે રક્તરંજીત હથેળી જ્યોતિષ મહોદયને બતાવી પુછ્યું કે ’હવે આપનું શું કહેવું છે ?’ – જો કે (અંધ)શ્રદ્ધાળુજનો તો દલીલ કરશે કે એતો પેલી રેખા લાંબી કરી નાખી તેથીજ સિકંદર વિશ્વવિજેતા પદને પ્રાપ્ત થયો !! હશે ! જો કે ભજમનભાઇની આ એક પોસ્ટ ચોક્કસ જુઓ અને પછી આગળ વિચારવા વિનંતી.
એક બાબતતો આ જા.ખ.માં લગભગ બધાજ સ્વિકારે છે કે ’ઇશ્વર ઇચ્છા બળવાન છે’- તો ભાઇ, જેની પાસે કોઇ ફાઇનલ ઓથોરીટી નથી તેની આગળ પાછળ ભમવામાં વ્યર્થ સમય બગાડવો એ કોઇ બુદ્ધિનું કામ છે ? આથી તો ઉત્તમ એ છે કે સીધું તે સર્વશક્તિમાનને જ જાણવા,સમજવાની કોશિશ કરવી. અને સુખ,સમૃદ્ધિની પ્રાપ્તિ, દુ:ખના નિરાકરણ અને ભાગ્ય ચમકાવવા માટે, હથેળીઓ બતાવવા કરતાં તો, જાત મહેનત દ્વારા, હથેળીઓ ઘસીને ઉજળી કરવી.

આ લગભગ તો હાસ્યલેખ છે પણ મને લાગે છે કે લાપસીને બદલે ભૈળકું થઇ ગયું !!
તો અંતે મુમુક્ષુઓના લાભાર્થે વર્તમાનપત્રનાં સમજદાર વ્યવસ્થાપકશ્રી દ્વારા મુકાયેલી ચેતવણી પણ જુઓ. બધા પોતપોતાનો ધર્મ તો બજાવે જ છે, છતાં કોઇ ધરાર ફસાઇ તો તેને શું કહેશું ?? આપ સૌને વિનંતી કે આસપાસ કોઇ આમ ધરાર ફસાતું હોય તો, સંબંધ બગડવાનું જોખમ લઇને પણ, તેને ફસાતા રોકવાનું પુણ્યકાર્ય જરૂર કરશો. આભાર.

Thursday, July 14, 2011

ચાલ ને સખી, બાળક બનીએ




ચાલ ને સખી, બાળક બનીએ



ફરી પા-પા પગલી માંડીએ



આંખોમાં કુતૂહલને ભરી દુનિયા ફરીથી નિહાળીએ



જીવનમાં નિર્દોષતા ભરીએ



કોઈને ફરિયાદ ન કરીએ



ચિંતા અને ફિકરની ફાકી કરીને



રોજ જીવન નવું જીવીએ



ફૂલ, પંખી ને પવન ની દોસ્તી કરીએ



હાથમાં લઈને હાથને દોડીએ



દરિયાને કિનારે જઈને



શંખ, છીપ ને મોતી વીણીએ



દુર ગગનમાં વસતાં પેલા



ચાંદ ને તારા ની પાસે જઈએ



ચાલ ને સખી, બાળક બનીએ