Sunday, July 24, 2011

ભણે નરસૈયો – જળકમળ (રસાસ્વાદ)


મિત્રો, નમસ્કાર.
આ શ્રેણીમાં આગળ આપણે નરસિંહ મહેતા અને તેની રચનાઓની થોડી વાતો તથા નરસિંહના સમયના ઈતિહાસ કાળનું થોડું દર્શન કરેલું. આજે આપણે નરસિંહની એક બહુ પ્રખ્યાત રચના ’જળકમળ છાંડી જાને’ નો એક અલગ જ દ્ગષ્ટિકોણથી રસાસ્વાદ માણીશું. આ પ્રયાસ કરવાની હિંમત આવવાના પણ બે-ચાર કારણો છે. સૌ પ્રથમ તો, આગળના લેખમાં ઉલ્લેખેલ તે નરસિંહ મહેતાના જીવન કવનના પ્રખર અભ્યાસુ શ્રી જવાહર બક્ષીજીના જુનાગઢ ખાતેના એક કાર્યક્રમમાં, તેઓના શ્રીમુખેથી માણેલો આ કૃતિનો રસાસ્વાદ અને તે ઉપરાંત મિત્ર જેઠાભાઇ અને એક બે જ્ઞાની મિત્રો સાથે થયેલી આ કૃતિ બાબતની ચર્ચામાંથી મળેલી નવી દ્ગષ્ટિ પણ ખરી.
તો અહીં આપણે આ બધા જ દૃષ્ટિકોણને એકત્ર કરી અને આ સુંદર મજાની કૃતિને માણવાનો એક નાનકડો પ્રયાસ કરીશું, ખાસ તો આપણને એ જાણવા મળશે કે નરસિંહ જેવા જ્ઞાની ભક્ત કવિએ તેની એક એક રચનામાં કેટકેટલું જ્ઞાન ઠાંસીઠાંસીને ભર્યું છે. કારણ કોઇ નાનો એવો કવિ પણ અકારણ તો કશું લખવાનો નથી તો આવા સમર્થ કવિએ સાવ અમસ્તું તો આ રચનાઓ નહીં જ કરી હોય !
પ્રથમ કડીથી જ શરૂઆત કરીએ તો; ’જળકમળ છાંડી જાને બાળા’, સામાન્ય અર્થ કે હાલમાં બહુપ્રચલીત એવી વાર્તારૂપી અર્થ તો સૌને જાણમાં જ છે. કૃષ્ણ બાળસખાઓ સાથે દડે રમતા હતા અને દડો યમુનાના ઊંડા ધરામાં પડી ગયો જ્યાં એક ભયંકર કાળીનાગ રહેતો હતો. આ નાગની પત્નીઓ એવી નાગણો કૃષ્ણને પાછો વળવા સમજાવે છે અને અંતે કૃષ્ણ કાળીનાગનું દમન કરી દડો લઇ બહાર આવે છે. બસ આટલી અમથી વાત ?! માફ કરજો પણ આ કથા મને બહુ સરળ લાગે છે ! કારણ આ ઘટના ખરે જ બની, ના બની કરતાંએ મોટી વાત એ છે કે એનો સમયગાળો અને નરસિંહના સમયગાળા વચ્ચે હજારો વર્ષનું અંતર છે, અને અગાઉ કહેલું તેમ નરસિંહ કોઇ ઇતિહાસકાર તો છે નહીં ! પછી ઘણા લોકો પ્રશ્નો કરે કે આ બધી માત્ર વાર્તાઓ હોય ! કદાચ !! પણ નરસિંહ એક કવિ છે, ચિંતક છે, જ્ઞાની છે, સમાજ સુધારક છે, ભક્ત છે, આ ધ્યાને રાખીને બે ઘડી વિચારીએ તો સમજાય કે તેની કૃતિઓમાં માત્ર વાર્તા તો નહીં જ હોય, કશોક ગહન અર્થ પણ જરૂર હશે જ. આ પ્રથમ કડીએથી જ વિચારવાનું શરૂ કરીએ તો; જો કૃષ્ણ ઊંડા ધરામાં દડો લેવા પ્રવેશ્યા તે ઘટના જ દર્શાવવી હોય તો કવિએ શબ્દ વાપરવો જોઇએ “જળગહન” જ્યારે અહીં વાત છે “જળકમળ”ની ! બસ અહીંથી મગજમાં વિચારોની સ્વિચ દબાય છે જે અંત સુધી વિચારયાત્રાને થંભવા દેતી નથી !

ઝેન્થિપી – ’દર્શક’ની નજરે (સોક્રેટિસ)


મસ્કાર. આજે આપણે વાત કરીશું ઇતિહાસનાં એક બહુ વગોવાયેલા પાત્ર “ઝેન્થિપી” (Xanthippe (Greek: Ξανθίππη))ની. તે સોક્રેટિસની પત્નિ અને ત્રણ સંતાનોની માતા હતી, તેમના અને સોક્રેટિસના ત્રણ સંતાનોના નામ આ પ્રમાણે છે; લેમ્પ્રોકલ્સ (Lamprocles), સોફ્રોનિસ્કસ (Sophroniscus) અને મેનેક્‌ઝેનસ (Menexenus). પ્લેટોના લખાણોને આધારભુત ગણી અને કહી શકાય કે તે સોક્રેટિસ કરતા લગભગ ૪૦ વર્ષ નાની હતી. ’ઝેન્થિપી’ શબ્દનો અર્થ, ગ્રીક ભાષા મુજબ જોઇએ તો ’ઝેન્થોસ’ = સોનેરી વાળ અને ’હિપ્પોસ’ = અશ્વ અથવા ઘોડો,ઘોડી. આમ ’ઝેન્થિપી’ શબ્દનો અર્થ ’સોનેરી વાળ વાળી ઘોડી’ તેવો થાય છે, એ સમયમાં ગ્રીસમાં ઘોડો એ સન્માનનિય પ્રાણી ગણાતું, અને નામની શાથે ’હિપ્પોસ’, એટલેકે ઘોડા જેવું, શબ્દ લગાવવો તે સન્માન ગણાતું હતું. (ભારતીય સભ્યતામાં જેમ ’સિંહ’ શબ્દ લગાવવાનું સન્માનજનક ગણાય છે તેવું જ) સોક્રેટિસના શિષ્યો દ્વારા વિવિધ લખાણોમાં તેમના વિશે લખાયેલું મળે છે, તે કકર્શા અને દલીલબાજીમાં માહેર સ્ત્રી તો હતી જ, પરંતુ તે માટે ત્યારના સંજોગો પણ જવાબદાર હતા. વધુ જાણકારી માટે આપ વિકિપીડિયા પર જોઇ શકો છો. (લેખના અંતે બધીજ લિંક આપેલી છે.)



અહીં આપણે માટે, માન.શ્રી મનુભાઇ પંચોળી ’દર્શક’ દ્વારા રચાયેલી કથા ’સોક્રેટિસ’ ના આધારે, સોક્રેટિસની અર્ધાંગ્નિ ઝેન્થિપીના પાત્રનું અવલોકન ઘણું જ રસપ્રદ બની રહેશે. સામાન્ય રીતે એક કર્કશા અને ઝઘડાળુ સ્ત્રી તરીકે પ્રસિદ્ધી પામેલી આ સ્ત્રીના ગુણો અને ભાવનાઓનું વર્ણન શ્રી દર્શકે બહુજ ન્યાયપુર્ણ અને તેના વિશેની સામાન્ય છાપથી ઉલ્ટું જ કરેલ છે. એ પાછળ કંઇક તો તથ્ય હશેજ ને ! જે સામાન્યલોકો ન પામી શકે, ફક્ત શ્રી દર્શક જેવા ઉમદા વિચારક જ પામી શકે. તો ચાલો આ કથાના વિવિધ સંવાદો દ્વારા આપણે પણ બહુવગોવાયેલી આ ઝેન્થિપીનું એક નવા જ સ્વરૂપે દર્શન કરીએ. આ શાથે સંદર્ભ માટે સંવાદની આગળપાછળની ઘટનાઓ પર થોડી સમજુતી હું મારી અલ્પમતિ મુજબ ઉમેરીશ. કશી શરતચૂક જણાય તો ધ્યાન દોરવા વિનંતી.


હાસ્યલેખ!! અંધશ્રદ્ધા


મિત્રો, આજે એક ચેપી રોગ લાગુ પડ્યો ! જાણકારોનું કહેવું એમ છે કે કોઇક કોઇક ઓટલાઓ પર આંટા મારવાથી આવા ચેપની અસર થાય છે ! મારા એક મિત્ર ભુપેન્દ્રસિંહજીને પણ ક્યારેક કુરૂક્ષેત્રના મેદાનમાં લડતા લડતા અચાનક આવી ચેપી અસર થાય છે, અતુલભાઇને પણ હમણાં જ્ઞાનની શાથે શાથે આવો હુમલો આવેલો ! અન્ય ઘણા મિત્રો છે જેમને પણ ક્યારેક આવા હુમલાઓ આવતા રહે છે. આને જાણકારો ’હાસ્યરસ’ના હુમલા કહે છે ! (જો કે અમારે જુનાગઢમાં હમણાં કેરીના રસ પર વધુ ધ્યાન અપાય છે !)
મારે તો શાથે શાથે, લક્ષણોના આધારે દાક્તરોના જણાવ્યાનુસાર, અંધશ્રદ્ધાના વિચારોનો ચેપ પણ લાગ્યો હોય તેવું જણાયું છે. કહે છે કે ગોવીંદભાઇ અને અરવિંદભાઇ જેવા મિત્રોની શાથે બેસવાથી આવું થયાની સંભાવના છે. વાત એમ છે કે વર્તમાનપત્રોમાં વાંચવા જેવું બધું વંચાઇ ગયા પછી ક્યારેક નવરાશ વધતી હોય તો (પૈસા વસુલ કરવા જ સ્તો !) ટચુકડી જા.ખ. પર પણ નજર ફેરવાઇ જાય છે. તેમાં જ્યોતિષીઓને લગતી જા.ખ. જોતાં અમુક મુદ્દાઓ ધ્યાને આવ્યા. તેમાં અમુક તો
ભયાનક પ્રકારના નામ વાળા નિષ્ણાતો જણાયા, લગભગ તમામ નિષ્ણાતોએ ૧૦૦ % કામની ગેરંટી આપેલ છે. અમુક વિરલાઓ ૧૦૧ % કે ૧૫૧ % કામ થવાની ખાત્રી પણ આપે છે, અને એકાદ મહાપુરૂષતો એવા પણ મળ્યા જેમણે ૧૦૦૧ % ગેરંટી આપી દીધી ! હવે વિચારો જરા, આપ સંતાનસુખ માટે આવા નિષ્ણાત પાસે પહોંચી ગયા અને કદાચ એમના દાવાઓ સાચા ઠર્યા તો !! તમે તો ગયા ને કામથી ! તમે એક સંતાન માટે સંપર્ક કરો અને ૧૦૦૧ %નાં ધોરણે તમને ૧૦ સંતાનની પ્રાપ્તિ થઇ જાય ! આવુંજ પત્નિ કે પતિ ઇચ્છુક શાથે પણ બની શકે ! આ મોંઘવારીનાં જમાનામાં દશ દશનાં પેટ કેમ કરીને ભરશો બાપલા ??
આ લોકોના કાર્યપ્રાવિણ્યની રેન્જ પણ ખરેજ વિચારવા લાયક હોય છે. વ્યાપાર, લગ્ન-છુટાછેડા, પ્રેમલગ્ન-સૌતનદુ:ખ, કોર્ટકેસ, લક્ષ્મિપ્રાપ્તિ, મુઠચોટ, વશિકરણ, વ્યસનમુક્તિ, શત્રુમુક્તિ, સાસુ-વહુ અને ગૃહકંકાસ, વિદેશયાત્રા, લોટરી-શેરસટ્ટો અને કોઇ કોઇ નિષ્ણાતોએતો સટ્ટાનાં નંબર શુધ્ધા, ખાત્રીબંધ મેળવવા માટે ચોખ્ખું લખ્યું છે !! (આ સટ્ટાના નંબર એ એક જાતનો જુગાર-અબુધ લોકોની જાણ માટે !)હવે વિચારો, કામ થવાની તો આપણને ખાત્રી જ છે (અમસ્તી કંઇ અંધશ્રદ્ધા કહેવાય !) એકજ નિષ્ણાત પાસે સાસુ અને વહુ બન્ને પહોંચી જાય તો મહારાજશ્રી બન્નેનું કામ કઇ રીતે કરી આપશે? પ્રેમમાં સફળતા અને સૌતનદુ:ખ માં પણ આવોજ લોચો થાય તેમ છે. પતિ મહાશય પોતાની પ્રેમીકાને વશ કરવા માટે અને પત્નિ પોતાના પતિને પ્રેમીકાથી છોડાવવા માટે, એક જ મહારાજ પાસે પહોંચી જાય તો મહારાજે શું કરવું?

અને આ લોકોની કાર્ય સફળતાની સમયમર્યાદા પર ધ્યાન આપો તો એમ જ થાય કે ખરેખર તો સરકારે આમાંથી કંઇક ધડો લેવો જોઇએ !! ગમે તેવું કામ ફક્ત ૭૨ કલાકમાં, ક્યાંક તો ફક્ત ૨૪ કલાકમાં, હજુ વધારે લાગે છે? તો લો અમુક કર્મઠ મહાનુભાવો તો આપને ફક્ત ૧૫ મીનીટમાંજ કોઇપણ પ્રશ્નનો નિકાલ લાવી દેવાની ગેરંટી આપશે !(અને તે પણ પાછી ૧૦૦૧ %) ભઇલાઓ, આ તો તમે અમને બ્લોગરોને માટે ઘણા ઉપયોગી ગણાઓ ! પંદર પંદર મીનીટમાં એક એક નવી પોસ્ટ તૈયાર કરી દો એટલે ભયો ભયો !! અમારે આ જ્યાંત્યાં ડાફોળીયા મારવા મટે ! અને વળી આ કોપી-પેસ્ટનાં આરોપો માથે ચઢતાં બંધ થાય તો વિનયભાઇ જેવા મિત્રોને જવાબો દેવાની ચિંતા પણ ટળે !! :-)
અમુક વળી લખે છે ’મહીલાઓ નિસંકોચ મળી શકે છે’! લ્યો ! જે જગતજનનીઓ છે, જે સ્વયં શક્તિ છે, તેનાં દુ:ખ આ “જાતે જન્મી પણ ન શકનારાઓ” દુર કરશે ! (આ “-” માં આપેલ શબ્દ સમુહ માટે આપણે ગુજરાતીમાં એક શબ્દ વપરાય છે, યાદ કરો અને મનમાં ઉચ્ચારી લો !!) માતાઓ, જરા વિચારો, તમારા પડછાયાને પણ સ્પર્શવાની જેનામાં લાયકાત નથી તેવાઓ, તમારી અંધશ્રદ્ધાને કારણે, તમને સંતાપી જાય છે.
આ ક્ષેત્રનાં જાણકાર એવા સજ્જનોનું કહેવું છે કે, જ્યોતિષ એ એક પ્રાચિનશાસ્ત્ર છે. જેમાં ખગોળવિદ્યા, સંભાવનાનું ગણિત અને મનોવિજ્ઞાનનો સુમેળ કરાયેલો છે. આ એક પ્રાચિનકલા પણ છે. અને તેના હકારાત્મક ઉપયોગ દ્વારા કદાચ ઘણા લોકોને લાભ થતો પણ હશે. જો કે આમાં વધુ ફાળો તો સમયનો જ હોય છે. કહે છે ને કે, પરિશ્થિતિઓ હંમેશાં એક સમાન નથી રહેતી, બદલાય છે (અને વધુ ખરાબ થાય છે !)
મને પાકું યાદ હોય તો સિકંદરની એક કથા છે, જેમાં કિશોર વયનાં સિકંદરને એક જ્યોતિષે જણાવ્યું કે તારી હથેળીમાં જે આ ચોક્કસ રેખા છે તે થોડી વધુ લાંબી હોત તો તારો વિશ્વવિજેતા બનવાનો યોગ હતો. આ સાંભળી અને સિકંદરે તુરંત છુરા વડે હથેળી પર દર્શાવાયેલી રેખાને છેક સુધી ખેંચી કાઢી, અને તે રક્તરંજીત હથેળી જ્યોતિષ મહોદયને બતાવી પુછ્યું કે ’હવે આપનું શું કહેવું છે ?’ – જો કે (અંધ)શ્રદ્ધાળુજનો તો દલીલ કરશે કે એતો પેલી રેખા લાંબી કરી નાખી તેથીજ સિકંદર વિશ્વવિજેતા પદને પ્રાપ્ત થયો !! હશે ! જો કે ભજમનભાઇની આ એક પોસ્ટ ચોક્કસ જુઓ અને પછી આગળ વિચારવા વિનંતી.
એક બાબતતો આ જા.ખ.માં લગભગ બધાજ સ્વિકારે છે કે ’ઇશ્વર ઇચ્છા બળવાન છે’- તો ભાઇ, જેની પાસે કોઇ ફાઇનલ ઓથોરીટી નથી તેની આગળ પાછળ ભમવામાં વ્યર્થ સમય બગાડવો એ કોઇ બુદ્ધિનું કામ છે ? આથી તો ઉત્તમ એ છે કે સીધું તે સર્વશક્તિમાનને જ જાણવા,સમજવાની કોશિશ કરવી. અને સુખ,સમૃદ્ધિની પ્રાપ્તિ, દુ:ખના નિરાકરણ અને ભાગ્ય ચમકાવવા માટે, હથેળીઓ બતાવવા કરતાં તો, જાત મહેનત દ્વારા, હથેળીઓ ઘસીને ઉજળી કરવી.

આ લગભગ તો હાસ્યલેખ છે પણ મને લાગે છે કે લાપસીને બદલે ભૈળકું થઇ ગયું !!
તો અંતે મુમુક્ષુઓના લાભાર્થે વર્તમાનપત્રનાં સમજદાર વ્યવસ્થાપકશ્રી દ્વારા મુકાયેલી ચેતવણી પણ જુઓ. બધા પોતપોતાનો ધર્મ તો બજાવે જ છે, છતાં કોઇ ધરાર ફસાઇ તો તેને શું કહેશું ?? આપ સૌને વિનંતી કે આસપાસ કોઇ આમ ધરાર ફસાતું હોય તો, સંબંધ બગડવાનું જોખમ લઇને પણ, તેને ફસાતા રોકવાનું પુણ્યકાર્ય જરૂર કરશો. આભાર.

Thursday, July 14, 2011

ચાલ ને સખી, બાળક બનીએ




ચાલ ને સખી, બાળક બનીએ



ફરી પા-પા પગલી માંડીએ



આંખોમાં કુતૂહલને ભરી દુનિયા ફરીથી નિહાળીએ



જીવનમાં નિર્દોષતા ભરીએ



કોઈને ફરિયાદ ન કરીએ



ચિંતા અને ફિકરની ફાકી કરીને



રોજ જીવન નવું જીવીએ



ફૂલ, પંખી ને પવન ની દોસ્તી કરીએ



હાથમાં લઈને હાથને દોડીએ



દરિયાને કિનારે જઈને



શંખ, છીપ ને મોતી વીણીએ



દુર ગગનમાં વસતાં પેલા



ચાંદ ને તારા ની પાસે જઈએ



ચાલ ને સખી, બાળક બનીએ

સુવાક્યો, તેની રમુજી ટીપ્પણીઓ સાથે :)


* “કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ… (બીજું કોઈ આવીને કહી જાયને આપણે ખોટે ખોટે મજામાં એવો જવાબ આપવો….)


* શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય… (કમ સે કમ કોઈ આવીને જોવે તો થોડોક વટ પડે ને ભાઈ…)

* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં… (શું ખબર, કભી કભી ગધા ભી કામ મેં આ જાતા હૈ…)

સોનેરી સુવાક્યો


હું કંઇક છુ એવો અહંકાર કરશો નહિ ....... પાછળ થી પસ્તાવું પડશે.


ગુલાબ અને દાન ની સુગંધ ચોમેર ફેલાતી રહે છે.

નમ્રતા એવી માસ્ટર કી છે જે કોઈપણ દ્વાર નું તાળું ખોલી શકે છે.

હાથ એટલા માટે છે તમે સદા બીજા ને આપી શકો.

સત્કાર્યો સંપતિથી મુલ્યવાન છે.

સમય, વાણી અને પાણી નો સદુપયોગ કરો.

જેની દોસ્તી તમને અપંગ ના બનાવે પણ પાંખ આપે તે તમારો ખરો મિત્ર.

સુખી થવાના બે રસ્તા: એક તમારી જરૂરિયાત ઘટાડો અને બે તમારી આવક વધારો.

દુ:ખ આવે ત્યારે આનંદમાં રહો અને સુખ આવે ત્યારે આનંદ ને કાબુ માં રાખો.

વિવિધ દેશના સુવાક્યો


“જે મઘમાંખીના મુખમાં મઘ હોય છે,તેમની પુછડીમાં ડંખ જરૂર હોય છે”.(England ).


“ગરીબી દરવાજે આવે છે ,ત્યારે પ્રેમ બારીમાંથી ભાગી જાય છે .”(England )

“ ભૂખ્યા માણસને એક માછલી આપવાથી તમે તેનો એક દિવસનો ખોરાક આપી શકશો પણ જો તેને માછલી પકડતા શીખવાડશો તો આખી જિંદગી નો ખોરાક આપી શકશો. “(ચીન)

“ જે રસ્તો સૌથી વધુ ધસાયેલો હશે ,એ સૌથી વધુ સલામત હશે.”(ચેકોસ્લોવિયા)

સુવક્યો


મુશ્કેલીઓ પાછળ પણ ઇશ્વરીય સંકેત હોય છે. ઇશ્વરની દેન તરીકે જ એને ગણી એનો સામનો કરવો જોઇએ.

..........................................................................................................................................

ઝૂલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.

- શૂન્ય પાલનપુરી

..........................................................................................................................................

હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ.

- ગાંધીજી

Friday, July 8, 2011

ન્યાય તો હજી બાકી જ છે ! (ભાગ-2) – વ્રજેશ આર. વાળંદ


[ ભાગ-1 પછીથી હવે આગળ.... ]

(ભીમનું ગદા સાથે છટાભરી ચાલે આગમન. ચારે બાજુ દષ્ટિ કરી ન્યાયાધીશ, યુધિષ્ઠિર, પ્રેક્ષકોને ક્રમશ: વંદન કરે છે અને યુધિષ્ઠિર-અર્જુનની સામેના બોક્ષમાં ઊભો રહે છે.)
ન્યાયાધીશ : પાંડવ ભીમને એમના પર મુકાયેલા આરોપની જાણ કરવામાં આવે !
ભીમ : ન્યાયાધિષ્ઠાતા મહોદય ! મને મારા પર મુકાયેલા આરોપની જાણ કરવામાં આવે એ પહેલાં હું જ ન્યાયાલય પર આરોપ મૂકવા માગું છું.
ન્યાયાધીશ : (સહેજ ચોંકીને) મિ. ભીમ ! અદાલત પર આપ શો આરોપ મૂકવા માગો છો ?
ભીમ : મહોદય ! ન્યાયાલયે મારા ક્ષુધાતૃપ્તિ મહાયજ્ઞમાં વિક્ષેપ સર્જી મને શારીરિક અને માનસિક રીતે યાતના આપી છે.

ન્યાય તો હજી બાકી જ છે ! (ભાગ-1) – વ્રજેશ આર. વાળંદ


પાત્ર-સૃષ્ટિ
[1] ન્યાયાધીશ – શ્રી કર્મઠપ્રસાદ
[2] વકીલ – મિ. જોશી.
[3] યુધિષ્ઠિર
[4] અર્જુન
[5] ભીમ
[6] ત્રણ પોલીસ
[7] કલાર્ક ઓફ ધ કોર્ટ
[8] બેલિફ : આરોપીનું નામ પોકારનાર
વેષભૂષા : પાંડવોની પૌરાણિક – અન્યની આધુનિક યુગની.

ઉદ્દઘોષક :
માનનીય પ્રેક્ષકગણ, નમસ્કાર !
પ્રથમ તો આજે આપની સમક્ષ મહાભારત યુદ્ધના વિજેતા પાંડવોને આધુનિક યુગની અદાલતમાં આરોપી તરીકે દર્શાવવા બદલ ક્ષમાયાચના ! આપ રખે માનતા કે આમ કરીને એ મહાનુભાવો પર વ્યંગ કરવાનો દુરાશય છે. આપની લાગણી લગીરે ન દુભાય, આપની રસવૃત્તિને ક્ષતિ ન પહોંચે અને છતાંય આપને શુદ્ધ મનોરંજન મળે એ શુભાશય પોષવા સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને એ ખેવના સાકાર થાય એ સદભાવના સેવી છે. (થોભે છે.)