જીવનના પ્રભાત સમા, સવારના પહોરમાં કુકિન્ગ પ્લેટફોર્મ આગળ હું મારી સવારીય ફરજો નિભાવવા પહોંચી જાઉં છું. એ સાવ ચોખ્ખું ચંદન જેવું છે – સાવ નવજાત શિશુ સમાન. એ કોરી સ્લેટ જેવું, સાવ ખાલીખમ્મ છે. 
ચા બનાવવાની સામગ્રી એક પછી એક, હું કાઢતો જાઉં છું – ચા, ખાંડ, દૂધ, આદુ, ઈલાયચી. એમ જ બધાં સાધનો – તપેલી, સાંડસી, ગળણી, પ્યાલા, રકાબી. દસ વરસના મહાવરાથી પ્રાપ્ત કરેલી, ચા બનાવવાની ક્ળાના જ્ઞાનના આધારે, હું માપથી તપેલીમાં પાણી લઉં છું; અને શક્તિના સ્રોત સમો સ્ટવ ચાલુ કરી, એને ગરમ કરવા મૂકું છું. પછી એ જ જ્ઞાનથી જાણીતા થયેલ માપથી ચા અને આદુ એમાં પધરાવું છું.