વિવિધતા માં એકતા – અરે આ તો કેવી વાત? જાત જાતની વિવિધતાઓ વચ્ચે આપણે જીવીએ છીએ. આપણા રંગો જુદા, આપણાં વિચારો જુદા, આપણાં ધર્મો જુદા, આપણી જાતી જુદી, આપણી રીતભાત જુદી – ઈશ્વરની સૃષ્ટિમાં કેટકેટલું વૈવિધ્ય છે. જાત જાતના ફળો, જાત જાતનાફૂલો, જાતજાતના પશુ-પક્ષીઓ, જાત જાતની વનસ્પતિઓ અને વૃક્ષો. જાત જાતના પહાડો, નદિઓ, ઝરણાઓ અને સમુદ્રો. જો બધું એકસરખું, એક ધારુ હોય તો કેટલો કંટાળો આવે? એક ની એક રીતે જીવવાનું, એકની એક રીતે વિચારવાનું , એક નું એક કામ કરવાનું , એકની એક વ્યક્તિ સાથે વાતો કરવાની, એકના એક ચવાઈ ગયેલા ગીતો સાંભળવાના, પ્રકૃતિના એકના એક મૌનને પડદા પાછળ થી સાંભળવાનું અને તેના મનઘડન અર્થો કરવાના આ બધું શું કંટાળા જનક નથી? તેમ છતાં તેમાં વિવિધતા છે, સમયે સમયે તેના જુદા અર્થો છે, જુદા જુદા ભાવો છે. એક નું એક ગીત તમે જ્યારે જુદી જુદી પરિસ્થિતિમાં સાંભળો છો ત્યારે તમે જુદો જ ભાવ અનુભવો છો. એકનું એક બાળક તમને જુદા જુદા સમયે જુદુ જુદુ નથી લાગતું? જે બાળક પર ૧૦૦% વહાલ ઉપજતું હતુ તે બાળક ઘણીયે વાર ૧૦૦% અકારું નથી લાગતુ ?
તો આ બધી વિવિધતામાં સામાન્ય તત્વ શું છે? જાતીઓમાં જોઈએ તો મનુષ્ય તરીકે આપણે સામાન્ય છીએ અને જાતી, ધર્મ, રંગ, દેશ, ભાષા, લિંગ વગેરેથી જાણે કે આપણે વિભાજીત થઈ ગયા હોઈએ તેમ લાગે છે. બધાની નસોમાં લાલ રક્ત જ દોડે છે અને છતાં બધાના વિચારો કેટલાં બધાં ભિન્ન છે – કેટલાં બધાં છિન્ન છે. મનુષ્ય અને પ્રાણીઓ કેટકેટલી રીતે જુદા પડે છે અને છતાં તેમનામાં સામાન્ય તત્વ પ્રાણ છે – બધાંએ ઓક્સીજનને જીવવા માટે લેવો પડે છે. તે બધાને એક સુત્રે બાંધનાર પ્રાણવાયું છે. એમ તો પ્રાણી, વનસ્પતિ, મનુષ્યો, પક્ષીઓ આ બધાંઓનો આધાર તો પૃથ્વી જ છે ને? એક જ ઘરમાં કેટકેટલા જીવજંતુઓ સાથે રહે છે અને બધાં તે ઘરને પોતાનું જ માને છે.
જ્યારે વિવિધતા એક બીજાની નજીક આવે છે ત્યારે તેના અનેક શક્ય પરીણામ સંભવે છે. બે જાતીના માણસો, બે ધર્મના માણસો, બે જુદા જુદા દેશના માણસો, બે જુદી જુદી ભાષાના માણસો મળે તો શું થાય? ઘણી શક્યતાઓ છે. કાં તો બંને એકબીજા પાસેથી કશુંક શીખે અને વધુ સમૃદ્ધ બને. કાં તો બંને એકબીજા પર આધિપત્ય જમાવવા પ્રયાસ કરે અને બંનેનો થોડા ઘણાં અંશે કે સમુળગો હ્રાસ થાય. કાંતો બંને એકબીજા પ્રત્યે ઉદાસીન રહે અને કશું ન થાય. પણ આમાંથી સારામાં સારી પરિસ્થિતિ કઈ? બંને એક બીજા સાથે કશુંક આદાન-પ્રદાન કરે અને બંનેનો વિકાસ થાય તે શ્રેષ્ઠ પરિસ્થિતિ ગણાય.
વિવિધતા તો આપણી ચારે બાજુ છે પણ તેમાંથી ડાહ્યાં માણસો એકતા શોધી કાઢે છે અને વિકાસ કરે છે અને મુર્ખાઓ એકબીજા સાથે બાખડે છે અને રકાસ પામે છે.
બોલો આપણે આ વૈવિધ્યમાંથી શું પ્રાપ્ત કરશું? સહકાર, સમન્વય, સંગમ દ્વારા વિકાસ કે અસહકાર, લડાઈ ઝગડા અને વિખવાદ દ્વારા રકાસ ? પસંદગી આપણા હાથમાં છે – સારું એ આપણું. બોલો તમને શું સારું લાગે છે?